
નવી દિલ્હી, તા. 19 જૂન 2019, બુધવાર
લિસ્ટેડ કંપનીઓની અનપબ્લિશ્ડ પ્રાઈસ સેન્સિટિવ ઈનફરમેશન (યુપીએસઆઈ)ને સોશ્યલ મીડિયા પર વહેતી મૂકી દેતી વ્યક્તિઓ અને પેઢીઓ સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ની નજર હેઠળ આવી ગયા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે, સેબીએ ૫૦ જેટલી વ્યક્તિઓ તથા કંપનીઓને જેમને આવી માહિતી પ્રાપ્ત થયા બાદ તેમણે તે અગાળ ફોરવર્ડ કરી હતી તેમને પત્રો પાઠવ્યા છે. જે લોકોને પત્રો પાઠવાયા છે તેમાં કેટલીક બ્રોકિંગ પેઢીના વર્તમાન અને ભૂતપૂર્વ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.
સંવેદનશીલ માહિતીમાં કંપનીના નાણાંકીય પરિણામો, ગાઈડેન્સ તથા મર્જર અને એકવિઝિશનને લગતી માહિતીનો સમાવેશ થાય છે. આવી માહિતી કયાંથી મળી તેના સ્રોતની સેબીએ આ વ્યક્તિઓ પાસે જાણકારી માગી છે. વ્યક્તિઓ દ્વારા કરાયેલા વેપારની પણ માહિતી માગવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
ઈન્સાઈડર ટ્રેડિંગ ધોરણોનો ભંગ કરનારા સામે તપાસ કરતી સેબીની ટીમ આ વ્યક્તિઓના ટ્રેડિંગ ખાતા ચકાસી રહી છે, એમ સુત્રોએ જણાવ્યું હતું. આવી માહિતી, અફવાઓ અને એલર્ટસ ફેલાવવા માટે કેટલાક વોટસએપ ગુ્રપ્સ બનાવવામાં આવ્યા હોવાનું સેબીના ધ્યાનમાં આવ્યું છે. આ ગુ્રપ્સ પરથી સેબીએ ખાસ ડેટાબેઝ તૈયાર કર્યો છે અને પ્રારંભિક તપાસ શરૂ કરી હોવાનું પણ જણાવાયું છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZusbKs
via Latest Gujarati News
0 Comments