સુશીલ મોદીએ એક ટ્વિટમાં પોતાને CM ગણાવતા RJD દ્વારા ટ્રોલ થયા


(પીટીઆઈ) નવી દિલ્હી, તા.21 જૂન, 2019, શુક્રવાર

બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ એક ટ્વિટમાં ભૂલમાં પોતાને 'મુખ્યમંત્રી' ગણાવતા ટ્રોલ્સનો શિકાર થઈ ગયા હતા. આ ઉપરાંત રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી) દ્વારા પણ સુશીલ કુમારની ટીખળ કરવામાં વાર નહોતી લગાડવામાં આવી. 

રાષ્ટ્રીય જનતા દળે આ મામલે સુશીલ કુમારને નિશાન પર લઈને 'આખરે દિલની વાત હોઠો પર આવી જ ગઈ' તે અર્થની પોસ્ટ કરી હતી. જો કે ટ્રોલ થયા બાદ સુશીલ કુમારે તે ટ્વિટ ડીલિટ કરીને બીજી ટ્વિટ કરી હતી જેમાં પોતાને ઉપમુખ્યમંત્રી તરીકે દર્શાવ્યા હતા. 

હકીકતે ગુરુવારે મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ અનુગ્રહ નારાયણ મગધ મેડિકલ કોલેજ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે લૂ લાગવાને કારણે બીમાર પડેલા દર્દીઓની સ્થિતિ જાણી હતી.

સુશીલ કુમારે હોસ્પિટલમાં દર્દીઓના સ્વાસ્થ્યની જાણકારી લેતી વખતની એક તસવીર પોતાના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરી હતી જેનું કેપ્શન લખતી વખતે આ ભૂલ થઈ હતી. અનેક ટ્વિટર યુઝર્સે પણ તેમની પોસ્ટના જવાબમાં રમૂજી કોમેન્ટ્સ કરીને મજા માણી હતી. લોકોએ 'યે દિલ હૈ કી માનતા નહીં', 'તમે મુખ્યમંત્રી છો તો નીતિશ કુમાર શું છે?' વગેરે કોમેન્ટ કરીને તેમને ટ્રોલ કર્યા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WYEXiO
via Latest Gujarati News

Post a Comment

0 Comments