છત્તીસગઢમાં નક્સલીઓ સાથેની અથડામણમાં CRPFનાં ત્રણ જવાન શહીદ


(પીટીઆઈ) રાયપુર, તા. 28 જૂન, 2019, શુક્રવાર

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ(સીઆરપીએફ)ના ત્રણ જવાન શહીદ થયા છે. આ ઉપરાંત અથડામણમાં એક વિદ્યાર્થીનીનું નિધન થયું છે જ્યારે બે જવાન અને એક વિદ્યાર્થિની ઘાયલ થયા છે. 

બીજાપુર જિલ્લાના પોલીસ અધીક્ષક દિવ્યાંગ પટેલે જણાવ્યું કે, ભૈરમગઢ થાણા ક્ષેત્રના કેશકુતુલ ગામ પાસેના જંગલમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે સંઘર્ષ થયો હતો જેમાં ૧૯૯મી બટાલિયનના બે જવાન શહીદ થયા હતા જ્યારે અન્ય એક જવાનનું સારવાર દરમિયાન નિધન થયું હતું. 

ભૈરમગઢ થાણા ક્ષેત્રમાં સીઆરપીએફનું દળ ચોકી કરવા નીકળ્યું તે સમયે નક્સલીઓએ તેમના પર ગોળીબાર શરુ કરી દીધો હતો. ત્યાર બાદ જવાબી કાર્યવાહી તરીકે પોલીસ દળે વળતો હુમલો કર્યો હતો. તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલું માલવાહક વાહન ગોળીબારની હડફેટમાં આવી જતા તેમાં બેઠેલી એક વિદ્યાર્થીનીનું મોત થયું હતું અને અન્ય એક ઘાયલ થઈ હતી. 

અથડામણમાં નક્સલીઓએ પોલીસની એકે ૪૭ રાઈફલ, ચાર કારતૂસ, એક બુલેટપ્રુફ જેકેટ અને વાયરલેસ સેટ લૂંટી લીધા હતા જ્યારે પોલીસને તપાસ દરમિયાન બે આઈડી બોમ્બ હાથ લાગ્યા હતા. બનાવની જાણ થતા જ અતિરિક્ત દળને ઘટના સ્થળે મોકલી આપવામાં આવ્યું હતું જ્યારે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XC4CCm
via Latest Gujarati News

Post a Comment

0 Comments