
સીડની, તા. 15 જુલાઇ, 2019, સોમવાર
ઓસ્ટ્રેલિયામાં ૧૦થી ૧૪ વર્ષના ત્રણ કિશોર અને એક કિશોરીએ કાર ચોરીને ૧૦૦૦ કિલોમીટરનો પ્રવાસ ખેડયો હતો. ત્રણ છોકરા અને એક છોકરીએ ક્વિન્સલેન્ડથી સફર શરૂ કરી હતી અને ન્યૂ સાઉથ વેલ્સ જવા નીકળી પડયા હતા.
ક્વિન્સલેન્ડ પોલીસના જણાવ્યા પ્રમાણે એક ૧૪ વર્ષનો છોકરો, બે ૧૩ વર્ષના છોકરા અને એક ૧૦ વર્ષની છોકરીએ મળીને એક સંબંધીની કાર ચોરી કરી લીધી હતી. તે પછી રોકડ રકમ એકઠી કરી અને માછલી પકડવાનો સામાન લઈને ચારેય બાળકો ક્વિન્સલેન્ડના રોકહેમ્પ્ટન શહેરથી નીકળ્યા હતા. તેમણે બાજુના રાજ્ય ન્યૂ સાઉથ વેલ્સ તરફ કાર હંકારી મૂકી હતી અને છેક પોતાના શહેરથી ૧૦૦૦ કિલોમીટર દૂર પહોંચી ગયા હતા.
એ વાતની જાણ ત્યાં સુધી તો કોઈને ય થઈ ન હતી, પરંતુ એ બાળકોમાંથી એક બાળકે ઘરે પત્ર મૂક્યો હતો કે બધા મળીને રોડ ટ્રીપમાં જાય છે. એ પછી તેમનાં પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. રસ્તામાં બધા જ બાળકોએ એક પછી એક કાર ચલાવી હતી.
એક વખત તેમની કાર પેટ્રોલપંપમાં પેટ્રોલ પૂરાવવા ઊભી રહી હતી. પોલીસે તપાસ કર્યા પછી આ બાબતની જાણકારી મળી હતી કે કાર પેટ્રોલ પૂરાવવા ઊભી રહી હતી. તેના આધારે બાળકોનું લોકેશન મેળવવામાં સફળતા મળી હતી.
તે પછી આગળની ચેકપોસ્ટને આ બાળકો અંગે જાણ કરવામાં આવી હતી. પોલીસે બાળકોની કારને રોકી હતી, પરંતુ બાળકોએ કારમાં જ પોતાની જાતને બંધ કરી રાખી હતી અને ઉતરવાનો ઈનકાર કર્યો હતો. તે પછી પોલીસે લોક ઓપન કરીને તમામને બહાર કાઢ્યા હતા અને પૂછપરછ કરી હતી. તેમનો આ રીતે ટ્રીપ કરવાનો ઈરાદો જાણવા મળ્યો ન હતો. બાળકોએ ૧૧ કલાકમાં લગભગ એકાદ હજાર કિલોમીટરનું આશ્વર્યજનક અંતર કાપ્યું હતું.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Y8z8E5
via Latest Gujarati News
0 Comments