ભારત-ચીન-રશિયા દ્વારા દરિયામાં ફેંકાતો કચરો અમેરિકાના કાંઠા સુધી આવે છે : ટ્રમ્પ


ન્યુયોર્ક, તા. 13 નવેમ્બર, 2019, ગુરૂવાર

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતુ કે ગ્લોબલ વૉર્મિંગ એ બહુ ગૂંચવાડાભર્યો પ્રશ્ન છે, તેનો રાતોરાત ઉકેલ આવે એમ નથી. ઉદાહરણ આપતા તેમણે જણાવ્યુ હતુ કે ભારત-ચીન-રશિયા જેવા દેશો પોતાનો કચરો દરિયામાં ઠાલવે છે.

આ કચરો દરિયાના પાણી પર તરતો તરતો છેવટે આપણા લોસ એન્જલેસ જેવા શહેરના કાંઠે ઠલવાય છે. તેનાથી અંતે તો અમેરિકાને જ નુકસાન થાય છે. ભારત-ચીન-રશિયા જેવા દેશો ક્લાઈમેટ ચેન્જને કાબુમાં કરવા ખાસ કોઈ કામગીરી કરતા નથી, એવો આક્ષેપ પણ ટ્રમ્પે કર્યો હતો.

2015માં પેરિસ ખાતે વિશ્વના નેતાઓએ મળીને પર્યાવરણીય સંધિ તૈયાર કરી હતી. શરૂઆતમાં અમેરિકાએ એ સંધિમાં જોડાવાની તૈયારી દાખવી હતી. પરંતુ પછી ટ્રમ્પે નિર્ણય બદલીને અમેરિકાનુ નામ સંધિમાંથી રદ કરી દીધું હતુ.

એટલે કે કાર્બન ઉત્પાદન ઓછુ કરવાની જે વૈશ્વિક સમજૂતી થઈ રહી છે, તેનો અમેરિકા ભાગ નહીં બને. બીજા શબ્દોમાં પર્યાવરણ સંરક્ષણ માટે અમેરિકા તેના કાર્બન ઉત્પાદનમાં કાપ નહીં મુકે. અમેરિકાએ ત્યારે નિર્ણય લીધો હતો, જેની સત્તાવાર જાણ ગયા અઠવાડિયે રાષ્ટ્રસંઘને કરી દેવામાં આવી હતી.

ભારત વિશે તેમણે કહ્યું હતુ કે સંધિમાં જોડાયેલા રહીએ તો ભારત જેવા વિકાસશીલ દેશોને આપણે ક્લિન ટેકનોલોજિના વિકાસ માટે અઢળક નાણા પણ આપવા પડે. એવી ઘણી શરતો છે, જે સંધિને એકતરફી બનાવે છે.

ન્યુયોર્ક ખાતે એક સભાને સંબોધતા ટ્રમ્પે અમેરિકા શા માટે સંધિમાંથી ખસી ગયું તેનો ખુલાસો રજૂ કર્યો હતો.  ટ્રમ્પે જણાવ્યુ હતુ કે હું પોતે પર્યાવરણપ્રેમી છું અને પર્યાવરણ રક્ષક પણ છું. એટલે મને ખબર છે કે ક્યા દેશો પર્યાવરણની બાબતમાં સહકાર નથી આપતા.

તેમણે કહ્યું હતુ કે પેેરિસ સંધિ એવી સંધિ છે, જે આપણા વેપાર-ધંધા બંધ કરવા બેઠી છે. સંધિ પછી અમેરિકાએ કારખાના બંધ કરવા પડે, પેટ્રોલિયમ ઉત્પાદન ઘટાડવુ પડે, જ્યારે રશિયા-ચીન-ભારત જેવા દેશોને એ કંઈ લાગુ ન પડે. એટલે અમેરિકાના ભોગે હું આવી સંધિમાં આપણા દેશને સામેલ કરવા નથી માગતો.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CF0GED
via Latest Gujarati News

Post a Comment

0 Comments