
નવી દિલ્હી, તા. 13 નવેમ્બર, 2019, ગુરૂવાર
રફાલ સોદામાં મોટુ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આરોપ કેન્દ્ર સરકાર પર લગાવવામા આવ્યો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી થઇ હતી, જોકે કોઇ પણ પ્રકારની તપાસ સોપવાનો આદેશ આપવાની સુપ્રીમે અગાઉ ના પાડી દીધી હતી.
બાદમાં આ સમગ્ર મામલે રિવ્યૂ પિટિશન દાખલ કરવામાં આવી હતી જેની હવે સુનાવણી થવા જઇ રહી છે. ગુરૂવારે આ રિવ્યૂ પિટિશન અંગે સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવશે.
આ મામલે પાંચ મહિના પહેલા 10મી મેએ સુપ્રીમ કોર્ટો પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. રફાલમાં કૌભાંડના આરોપો સાથે તપાસની માગણી કરતી અરજી પૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિંહા અને અરૂણ શૌરી તેમજ વકીલ પ્રષાંત ભૂષણ દ્વારા કરવામાં આવી હતી.
આ મામલે અરજદારોએ તપાસની માગણી કરી હતી જ્યારે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇએ કહ્યું હતું કે નિર્ણય પ્રક્રિયા પર શંકા જેવું કઇ જ નથી તેથી તપાસ સોપવામાં ન આવે, 14મી ડિસેમ્બર, 2018ના રોજ સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી.
જે બાદ અરજદારો દ્વારા સુપ્રીમ કોર્ટમાં પોતાના ચુકાદા અંગે ફરી વિચારણા કરવામાં આવે તે માટે રિવ્યૂ પિટિશન દાખલ કરી હતી. આ રિવ્યૂ પિટિશનને લઇને મે મહિનામાં સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો.
જોકે આ સાથે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પર પણ કેટલાક સવાલો ઉઠાવ્યા હતા. ખાસ કરીને ડીલમાં જે ટેક્નીકલ મુદ્દાઓ છે તેને લઇને આ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા જેનો સરકાર વતી હાજર કાયદા અિધકારીએ વિરોધ કરતા કહ્યું હતું કે સુપ્રીમ તેમાં દરમિયાનગીરી ન કરી શકે. આ મામલે હવે રિવ્યૂ પિટિશન અંગે ગુરૂવારે સુપ્રીમ ચુકાદો આપશે.
આ સાથે જ રાહુલ ગાંધીએ રફાલ અંગે જે નિવેદન કર્યું હતું તે મામલે પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામા આવી શકે છે. લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રફાલનો વિવાદ વધ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યું છે કે ચોકીદાર ચોર છે. બાદમાં રાહુલ વિરૂદ્ધ ભાજપના નેતા મિનાક્ષી લેખીએ સુપ્રીમમાં કોર્ટની અવમાનના કરી હોવાની ફરિયાદ કરી હતી.
રાહુલ ગાંધી કોર્ટ સમક્ષ હાજર થયા ત્યારે તેમણે કોર્ટ સમક્ષ અલગ રીતે માફી માગી હતી. આ મામલે હવે ગુરૂવારે ચુકાદો આવશે. તેથી સૌની નજર હવે આ રિવ્યૂ પિટિશન પર પણ છે. અગાઉ સુપ્રીમ કોર્ટે સરકાર પર કેટલાક સવાલો પણ ઉઠાવ્યા હતા તેથી શક્યતાઓ છે કે રિવ્યૂ પિટિશનના આ ચુકાદામાં સુપ્રીમ પહેલા કરતા અલગ નિર્ણય સંભળાવી શકે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NIlLo5
via Latest Gujarati News
0 Comments