રોકેટમાં ટેકનિકલ ખામી સર્જાતા ચંદ્રયાન-2નું લોન્ચિંગ છેલ્લી ઘડીએ મોકૂફ રાખવામાં આવ્યું

નવી દિલ્હી, તા. 15 જુલાઇ 2019, સોમવાર

ઇસરોના બીજા મૂન મિશન ચંદ્રયાન-2નું લોન્ચિંગ ટેકનિકલ ખામીના કારણે છેલ્લી ઘડીએ રોકી દેવામાં આવ્યું છે. લોન્ચની 56.24 મિનિટ પહેલાં ચંદ્રયાન-2નું કાઉન્ટડાઉન અટકાવી દેવામાં આવ્યું હતું. ચંદ્રયાન-2ને 15 જુલાઇએ રાતે 2:51 વાગ્યે બાહુબલી રોકેટ GSLV-MK3 દ્વારા લોન્ચ કરવાનું હતું.

ઇસરોના પ્રવક્તા બી.આર. ગુરુપ્રસાદે નિવેદન આપતા કહ્યું કે GSLV-MK3 લોન્ચ વ્હીકલમાં ખામી સર્જાતા લોન્ચિંગ અટકાવી દેવામાં આવ્યું છે. લોન્ચિંગની આગલી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. લોન્ચની 56.24 મિનિટ પહેલાં ઇસરોએ મીડિયા સેન્ટર અને વિઝિટર ગેલેરીમાં લાઇવ સ્ક્રીનિંગ અટકાવી દીધું. ખામીને જોતા લોન્ચિંગની પ્રક્રિયા અટકાવી દેવામાં આવી. આ અડચણના કારણે ઇસરોના વૈજ્ઞાનિકોની 11 વર્ષની મહેનતને નાનો ઝાટકો વાગ્યો છે.

જોકે ઇસરોના વૈજ્ઞાનિકો દ્વારા છેલ્લી ઘડીએ ટેકનિકલ ખામી શોધવી પણ મોટું પગલું છે. જો ખામી સાથે જ રોકેટ લોન્ચ થઇ ગયું હોત તો મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા હતી. હવે ખામીને સુધારીને લોન્ચની નવી તારીખ જાહેર કરવામાં આવશે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YS7b0v
via Latest Gujarati News

Post a Comment

0 Comments