લખનૌ, તા. 3 જુલાઈ 2019, બુધવાર
ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે 400થી વધુ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને ફરજિયાત નિવૃત્ત કરી દીધા હતા. રાજ્ય સરકારના ભાજપી પ્રવક્તા શ્રીકાંત શર્માએ એવો દાવો કર્યો હતો કે ભ્રષ્ટાચાર કરતાં પકડાઇ ગયેલા અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ રાજ્ય સરકારે લીધેલાં પગલાંના ભાગ રૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં અધિકારી લેવલના અને એ સિવાયના બીજા એમ કુલ 400 કર્મચારીઓને ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા હતા.
જો કે રાજ્ય કર્મચારી સંઘનો એવો દાવો હતો કે નિવૃત્ત કરાયેલા કેટલાક કર્મચારીને પોતે નિર્દોષ છે એવું પુરવાર કરવાની તક સુદ્ધાં આપવામાં આવી નહોતી. આવી પરિસ્થિતિ ચાલુ રહેશે તો કર્મચારીઓ આંદોલન કરે એવી શક્યતા નકારી કઢાતી નથી. જો કે રાજ્ય સરકાર ભ્રષ્ટાચાર નાબૂદીના મુદ્દે મક્કમ છે. સમયસર કાર્યાલયમાં આવવું, ચોક્કસ ક્વોટાનું કામ સમયસર પૂરું કરવું અને લાંચરુશ્વતથી દૂર રહેવું વગેરે મુદ્દા બાબતમાં રાજ્ય સરકાર કડક હાથે કામ લેવા બાબતમાં મક્કમ છે.
શ્રીકાંત શર્માએ એવો દાવો કર્યો હતો કે બીજા સોએક અધિકારીઓ અને કર્મચારીઓ સરકારી રડાર પર છે. એમની સામે પુરાવો હાથમાં આવતાંજ એમની સામે કામ લેવામાં આવશે. અત્યાર અગાઉ કોઇ રાજ્ય સરકારે આટલી મોટી સંખ્યામાં અધિકારીઓ-કર્મચારીઓને ફરજિયાત નિવૃત્ત કર્યા નથી. યોગી સરકાર ભ્રષ્ટાચાર નાબૂદીના મુદ્દે દ્રઢનિશ્ચય છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2J5FpIk
via Latest Gujarati News
0 Comments