મધ્ય પ્રદેશ સરકારે પોલીસ દળના 46 કૂતરાઓની પણ બદલી કરી


રમૂજમાં કહ્યું જમીન અને આકાશની પણ બદલી કરાવી શકે છે

(પીટીઆઈ) ભોપાલ, તા.14 જુલાઇ, 2019, રવિવાર

અધિકારીઓની તાબડતોબ બદલી કરીને વિવાદમાં ફસાયેલી મધ્ય પ્રદેશની કમલનાથ સરકારે પોલીસ દળના ૪૬ કૂતરાઓની પણ બદલી કરી દેતા વિપક્ષ ભાજપે રાજ્યની કમલનાથ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપે કમલનાથ સરકાર 'બદલી' સિવાય પ્રદેશ હિતને લગતા અન્ય કોઈ પણ વિષય પર ધ્યાન ન આપતી હોવાનો આરોપ લગાવ્યો હતો.

હકીકતે મધ્ય પ્રદેશ પોલીસની ૨૩મી બટાલિયનના કમાંડન્ટ તરફથી જાહેર કરવામાં આવેલા આદેશમાં પોલીસના ૪૬ કૂતરાઓ અને તેમના હેન્ડલર્સની બદલીનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આદેશમાં છિંદવાડા ખાતે મુખ્યમંત્રી કમલનાથના ઘરે તૈનાત 'ડફી' નામના કૂતરાની અન્ય સ્થળે પોસ્ટિંગ ઉપરાંત અન્ય બે કૂતરાઓને ભોપાલના મુખ્યમંત્રી નિવાસમાં પોસ્ટિંગનો ઉલ્લેખ કરવામાં આવેલો છે.

પ્રદેશના ભાજપ અધ્યક્ષે ટ્વિટરના માધ્યમથી અપેક્ષાઓની પૂર્તિ ન થવા પર અધિકારીઓની બદલી થઈ શકે પરંતુ બેજુબાન જાનવરો પાસેથી કઈ અપેક્ષા પૂરી કરાવવાની હતી કે ડોગ્સ અને ડોગ સ્ક્વોડ્સની પણ ૫૦૦-૫૦૦ કિમી દૂર બદલી કરાવવામાં આવી તેવા અર્થની ટિપ્પણી કરી હતી. જ્યારે ભાજપના ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ રામેશ્વર શર્માએ કોંગ્રેસને ચમત્કારિક દળ ગણાવીને તે જમીન અને આકાશની પણ બદલી કરાવવાની હિંમત ધરાવે છે તેવી ટીખળ કરી હતી. 

હકીકતે પોલીસ વિભાગમાં જે ડોગ્સ હેન્ડલર્સ હોય છે તેમની બદલી કરવામાં આવી છે પરંતુ તેઓને કાયમ એક જ કૂતરાની જવાબદારી સોંપવામાં આવતી હોય છે અને તે કૂતરાઓ તેમના આદેશ સમજી શકે છે માટે સાથે કૂતરાઓની પણ બદલી કરવામાં આવે છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NX3NQT
via Latest Gujarati News

Post a Comment

0 Comments