પ્રિયંકા ગાંધી સમગ્ર યુપીના પ્રભારી નિમાયા, કાર્યકર્તાઓમાં ઉત્સાહ


(પીટીઆઈ) નવી દિલ્હી, તા.14 જુલાઇ, 2019, રવિવાર

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને સમગ્ર ઉત્તર પ્રદેશના પ્રભારી મહાસચિવ તરીકે નિમવામાં આવતા પ્રદેશ કોંગ્રેસમાં જોરદાર ઉત્સાહની લહેર વ્યાપી ગઈ છે. પાર્ટીના કાર્યકર્તાઓના મતે એક પ્રભારી મહાસચિવ હોવાના કારણે નિર્ણયો લેવામાં લાગતા અનાવશ્યક સમય પર કાપ મુકાશે અને સંગઠનને મજબૂતી મળશે.

 ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ આશરે છ મહિના પહેલા પ્રિયંકા ગાંધીને રાષ્ટ્રીય મહાસચિવ બનાવવા ઉપરાંત પૂર્વીય ઉત્તર પ્રદેશની જવાબદારી પણ સોંપી હતી. જ્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને પશ્ચિમી ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી હતી. કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાહુલ ગાંધીના રાજીનામા બાદ પાર્ટીના પુનર્ગઠનની પ્રક્રિયા ચાલી રહી છે અને રાહુલ ગાંધીના અનુસંધાને સિંધિયાએ પણ રાજીનામુ ધરી દીધું હતું. 

સૂત્રો દ્વારા મળતા અહેવાલો મુજબ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નક્કી થયા બાદ પ્રદેશોમાં બદલાવ આવશે અને તેને ધ્યાનમાં રાખીને જ હાલમાં પ્રિયંકા ગાંધીને પૂર્વીય ઉત્તર પ્રદેશની સાથે જ પશ્ચિમી ઉત્તર પ્રદેશની જવાબદારી પણ સોંપવામાં આવી છે. પ્રદેશ પ્રવક્તા અંશુ અવસ્થીએ જણાવ્યું કે, અગાઉ પશ્ચિમ યુપીના લોકો પ્રિયંકા ગાંધીને તેમના પ્રદેશનો પ્રભાર ન સોંપવામાં આવતા નારાજ થઈને તેમના સાથે ભેદભાવ થયો હોવાની ફરિયાદ કરતા હતા જેનો અંત આવ્યો છે. જ્યારે પ્રદેશ પ્રવક્તા બ્રજેન્દ્ર કુમાર સિંહના મતે હવેથી ઝડપી નિર્ણયો લઈ શકાશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2jWxAuG
via Latest Gujarati News

Post a Comment

0 Comments