દેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં 900થી પણ વધારે વખત ભૂકંપના આંચકા અનુભવાયા


(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 21 જુલાઇ, 2019, રવિવાર

તાજેતરમાં જ અરૂણાચલ પ્રદેશમાં 24 કલાકની અંદર ચાર વખત ધરતીકંપ આવવાના કારણે ત્યાંના લોકોમાં ડરનો માહોલ છવાયેલો છે. આ ઉપરાંત આસામમાં પણ તેની ધુ્રજારી અનુભવાઈ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે ત્યારે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના એક અહેવાલ મુજબ છેલ્લા ત્રણ વર્ષની અંદર ભારતમાં 1.8થી 6.6 મેગ્નિટયુડની તીવ્રતાના 900થી વધારે ભૂકંપ આવેલા છે.

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી(એનડીએમએ) અને રાજ્ય કક્ષાના અન્ય અધિકારીઓ સામાન્ય જનતા અને શાળાના બાળકોને ભૂકંપ અને તેની અસરો અંગે શિક્ષિત કરવા અને ભૂકંપથી થતું નુકસાન ઘટાડવા જાગૃત કરવા માટે અનેક પ્રકારના કામ કરી રહ્યા છે. 

પૃથ્વી વિજ્ઞાાન મંત્રાલય અંતર્ગતનું ભૂકંપ વિજ્ઞાાન માટેનું રાષ્ટ્રીય કેન્દ્ર(એનસીએસ) દેશ અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપીય ગતિવિધિઓ પર સતત નજર રાખવા માટે ચોવીસ કલાક કાર્યરત રહે તેવું ભૂકંપીય નેટવર્ક જાળવી રાખે છે.

આ નેટવર્કમાં પહેલી જાન્યુઆરી, 2016થી 30 જૂન, 2019 સુધીમાં ભારતમાં 1.8થી 6.6 મેગ્નિટયુડના 932 ભૂકંપ આવ્યા હોવાનું નોંધાયું છે. 2016, 2017 અને 2019માં મણિપુર અને આંદામાન-નિકોબાર ટાપુઓ ઉપર 6.0થી વધુની તીવ્રતાના ભૂકંપ અનુભવાયા હતા જ્યારે બાકીના ભૂકંપ તેનાથી ઓછી તીવ્રતાના હતા. 

દેશના જે વિસ્તારોમાં ભૂકંપનું જોખમ વધારે રહેતું હોય તે પ્રદેશના લોકોની સલામતી માટે બાંધકામને લઈ વિશિષ્ટ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલી છે. ભૂકંપથી થતું જાન-માલનું નુકસાન ઘટાડવા માટે ભૂકંપ પ્રતિરોધક માળખા તૈયાર કરવા ગુણવત્તા કચેરી(બીઆઈએસ), બિલ્ડિંગ મટીરિયલ અને ટેક્નોલોજી પ્રમોશન કાઉન્સિલ(બીએમટીપીસી), હાઉસિંગ અને શહેરી વિકાસ નિગમ, એનડીએમએ વગેરે દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલી છે.

ભૂકંપના આંકડાઓ પરથી દેશના ભૌગૌલિક નકશાને સેસમિક ઝોન-2,3,4 અને 5 એમ ચાર ભાગમાં વહેંચવામાં આવ્યો છે. પાંચમાં ઝોનમાં આવતો પૂર્વોત્તર પ્રાંત ભૂકંપ માટે ખૂબ સંવેદનશીલ ગણાય છે જ્યારે બીજા નંબરના ઝોનમાં ભૂકંપની શક્યતાઓ ઓછી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30NgJKE
via Latest Gujarati News

Post a Comment

0 Comments