
મુંબઈ, તા. 21 જુલાઇ, 2019, રવિવાર
દક્ષિણ મુંબઈની તાજમહલ હોટેલ પાસે આવેલી ચર્ચિલ ચેમ્બર ઈમારતના ત્રીજે માળે આજે બપોરે આગ ફાટી નીકળી હતી. અગ્નિશમન દળના જવાનોએ સમયસર ઘટનાસ્થળે ધસી જઈ 14 લોકોને સુખરૂપ બહાર કાઢયા હતા પરંતુ આ દુર્ઘટનામાં 54 વર્ષના જૈફ રહેવાસીએ જીવ ગુમાવ્યો હતો.
ઘટનાની માહિતી મુજબ આજે બપોરે 12.17 વાગ્યે ચર્ચિલ ચેંબર ઈમારતના ત્રીજે માળે આગ ફાટી નીકળી હતી. આગની સૂચના મળતા જ આઠ જ મિનિટમાં અગ્નિશમન દળના જવાનો ચાર ફાયર એન્જિન, વોટર ટેંકર, બચાવ માટેની ફાયર ટેન્કર અને એમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથમાં લીધી હતી.
ચાર માળની આ ઈમારતમાં બીજા લેવલની આગ લાગી હતી અને ત્રીજા માળે ધુમાડા વચ્ચે ફસાયેલા 14 લોકોને અગ્નિશમન દળના જવાનોએ સલામત બહાર કાઢયા હતા. યુસુફ પાનવાલા અને 54 વર્ષના જૈફ રહેવાસી શ્યામ ઐયર બેભાન થઈ જતા તરત જ સારવાર માટે જી.ટી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા પરંતુ સારવાર દરમિયાન ઐયરનું મૃત્યુ થયું હતું.
પાનવાલાની સ્થિતિ ગંભીર છે. આ દુર્ઘટનામાં અગ્નિશમન દળના જવાન સંતોષ પાટીલ (29) પણ બચાવકાર્યમાં ગુંગળામણ થવાથી બેહોશ થયા હતા. અગ્નિશમન દળના બચાવકાર્યને કારણે 14 રહેવાસીઓને આગમાંથી બચાવી લેવાયા હતા જેમાં જૈફ નાગરિકોનો પણ સમાવેશ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2y2avua
via Latest Gujarati News
0 Comments