UAEમાં નોકરીની લાલચ આપીને ભારતીયો સાથે છેતરપિંડી, કેરળના નવ લોકો ફસાયા


(પીટીઆઈ) દુબઈ, તા. 21 જુલાઇ, 2019, રવિવાર

કેરળના નવ લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી બનાવટી નોકરીની ઓફર સ્વીકાર્યા બાદ હાલ યુએઈમાં ફસાઈ ગયા છે. અલ એન તથા અજમાનમાં ફસાયેલા નવ લોકો વ્હોટ્સએપના માધ્યમથી શફીક નામના એક એજન્ટના સંપર્કમાં આવ્યા હતા અને તેમણે યુએઈના વીઝા મેળવવા માટે 70-70 હજાર રૂપિયા ચુકવ્યા હતા.  છેતરપિંડીનો શિકાર બનેલા કેરળના મલ્લાપુરમના રહેવાસી ફાજિલે પોતાને વ્હોટ્સએપના માધ્યમથી નોકરીની ઓફર મળી હોવાનું જણાવ્યું હતું.

રિપોર્ટ મુજબ, વ્હોટ્સએપ મેસેજમાં 15 દિવસની અંદર યુએઈમાં નોકરી અપાવવાનો વાયદો કરવામાં આવ્યો હતો અને તે મેસેજ કેરળમાં ખૂબ શેર થઈ રહ્યો હોવાથી અને અનેક લોકો તેમાં રસ લઈ રહ્યા હોવાથી ફાજિલ તેનાથી આકર્ષાયો હતો. એજન્ટે ફાજિલને અલ એનની સુપરમાર્કેટમાં મહિને 1,200 દિરહામ(22,496 રૂપિયા)ના પગારથી નોકરી અપાવવાનું અને રહેવા-જમવાની મફત વ્યવસ્થા કરાવી આપવાનું વચન આપ્યું હતું. 

ફાજિલે પોતાની માતાના ઘરેણાં ગિરવે મુકીને વીઝા માટે પૈસા મેળવ્યા હતા જ્યારે કેરળના કોઝિકોડના રહેવાસી મોહમ્મદ રફીકે(30) મિત્રો અને સગાઓ પાસેથી 70,000 રૂપિયા ઉધાર લીધા હતા.

મોહમ્મદ રફીકના કહેવા પ્રમાણે એજન્ટે પૈસા ચુકવનારા નવ લોકોનું અલગ વ્હોટ્સએપ ગુ્રપ બનાવ્યું હતું અને તેમને યુએઈ લઈ જવામાં આવશે તેમ કહ્યું હતું. ત્યાર બાદ 15 જુલાઈના રોજ તેઓ અબુ ધાબીના એરપોર્ટ ઉતર્યા ત્યારથી જ તેમને છેતરપિંડી થઈ હોવાની ખબર પડી ગઈ હતી અને એરપોર્ટ પર શમીર નામના સ્થાનિક એજન્ટે તેમને બે જૂથમાં વહેંચી દીધા હતા.

તેણે ચાર લોકોને અજમાન જ્યારે બાકીના પાંચને અલ એન મોકલી આપ્યા હતા અને નોકરી વિશે સવાલ કરવા પર સુપરમાર્કેટનો અધિકારી જેલમાં હોવાથી પોતે નવી કોઈ નોકરી શોધી આપશે તેવો જવાબ આપ્યો હતો. 

અબુ ધાબીના ભારતીય દૂતાવાસે આ મામલે દખલ કરીને ત્યાં ફસાયેલા ભારતીયોને ઘરે પાછા મોકલવામાં મદદ કરવા રજૂઆત કરી છે. રફીકે તે અને અન્ય ભારતીયો હાલ દૂતાવાસ દ્વારા આપવામાં આવેલા ભથ્થા પર જીવી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

એક મહિના પહેલા જ દુબઈ ખાતે આવેલા ભારતના મહાવાણિજ્ય દૂતાવાસે નોકરી ઈચ્છતા લોકો ભારતથી યુએઈ બોલાવતી બોગસ જાહેરાતોથી સાવધાન રહે તે માટે ચેતવણી જાહેર કરી હતી. દૂતાવાસે નોકરી ઈચ્છતા લોકો નકલી પ્રસ્તાવનો શિકાર ન બને અને કોઈ પણ શંકાસ્પદ કેસમાં દૂતાવાસનો સંપર્ક કરે તે માટે જણાવ્યું હતું.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xWVaLt
via Latest Gujarati News

Post a Comment

0 Comments