
લંડન, તા.5 જુલાઈ 2019, શુક્રવાર
સ્પેનના ત્રીજો સીડ ધરાવતા ટેનિસ સ્ટાર નડાલે ઓસ્ટ્રેલિયાના યુવા ખેલાડી કિર્ગીઓસને ૬-૩, ૩-૬, ૭-૬ (૭-૫), ૭-૬ (૭-૩)થી હરાવીને વિમ્બલ્ડન મેન્સ સિંગલ્સના ત્રીજા રાઉન્ડમા પ્રવેશ મેળવી લીધો હતો. ગ્રાસ કોર્ટ પર રમાતી સિઝનની ત્રીજી ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપમાં સ્ટાર ખેલાડીઓના હારવાનો સિલસિલો જારી રહ્યો હતો. ગત વિમ્બલ્ડનના ફાઈનલીસ્ટ અને ચોથો સીડ ધરાવતા સાઉથ આફ્રિકાના કેવિન એન્ડરસનને ૨૬મો સીડ ધરાવતા આર્જેન્ટીનાના ગુલીર્મો પેલ્લાએ ૬-૪, ૬-૩, ૭-૬ (૭-૪)થી પરાસ્ત કર્યો હતો.
૨૩મો સીડ ધરાવતા સ્પેનના બૌતિસ્તા અગુટે ૬-૩, ૭-૬ (૭-૩), ૬-૧થી ૧૦મો સીડ ધરાવતા રશિયાના ખાચાનોવની સામે વિજય મેળવીને ચોથા રાઉન્ડમાં પ્રવેશ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે ૧૫મો સીડ ધરાવતા કેનેડાના રાઓનિકે અમેરિકાના ઓપેલ્કાના પડકારનો ૭-૬ (૭-૧), ૬-૨, ૬-૧થી અંત આણ્યો હતો.
વિમેન્સ સિંગલ્સમાં ત્રીજો સીડ ધરાવતી પ્લીસકોવાએ ચોથા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો હતો. તેણે તાઈવાનની હ્સિઈહને ૬-૩, ૨-૬, ૬-૪ના ભારે સંઘર્ષ બાદ હરાવી હતી. યુક્રેનની સ્વિટોલીનાએ ૬-૩, ૬-૭ (૧-૭), ૬-૨થી ગ્રીસની મારિયા સાક્કારીને પરાસ્ત કરી હતી. જોકે ચીનની ઝાંગે ૧૪મો સીડ ધરાવતી ડેનમાર્કની વોઝનીઆકી સામે ૬-૪ ,૬-૨થી વિજય મેળવતા અપસેટ સર્જ્યો હતો.
મેન્સ સિંગલ્સમાં ટોપ-૧૦માંથી ૬ અપસેટનો શિકાર
વિમ્બલ્ડનની મેન્સ સિંગલ્સ ચેમ્પિયનશીપમાં હજુ માંડ ત્રીજો રાઉન્ડ ચાલી રહ્યો છે, ત્યારે ટોપ સીડ ધરાવતા ૧૦ ખેલાડીઓમાંથી છ ખેલાડીઓ બહાર ફેંકાઈ ચૂક્યા છે. અપસેટનો શિકાર બનેલા ટોચના સ્ટાર્સ
એન્ડરસન, ત્રીજા રાઉન્ડમાં હાર્યો
થિયમ, પ્રથમ રાઉન્ડમાં હાર્યો
ઝ્વેરેવ, પ્રથમ રાઉન્ડમાં હાર્યો
સિત્સિપાસ, પ્રથમ રાઉન્ડમાં બહાર
આઇસનર, બીજા રાઉન્ડમાં બહાર
ખાચાનોવ, ત્રીજા રાઉન્ડમાં પરાસ્ત
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FVFnAW
via Latest Gujarati News
0 Comments