ઓસ્ટ્રેલિયાની ટીમમાં ઈજાગ્રસ્ત શોન માર્શના સ્થાને હેન્ડસ્કોમ્બને સમાવેશ


લીડ્ઝ, તા. 5 જુલાઈ 2019, શુક્રવાર

ઓસ્ટ્રેલિયાએ ઈજાગ્રસ્ત શોન માર્શને સ્થાને પીટર હેન્ડસ્કોમ્બને વર્લ્ડ કપમાં સમાવી લીધો છે. શોન માર્શને ફ્રેક્ચર થતાં નિર્ણાયક તબક્કે વર્લ્ડ કપ છોડવો પડયો છે. જ્યારે વર્લ્ડ કપની ટિકિટ ન મેળવી શકનારા હેન્ડસ્કોમ્બનું ભાગ્ય અચાનક જ ચમકી ઉઠયું છે. ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ઓસ્ટ્રેલિયાની આખરી લીગ મેચના બે દિવસ પહેલાના પ્રેક્ટિસ સેશનમાં કમિન્સનો બોલ વાગતા માર્શને ફ્રેક્ચર થયું હતુ.

હાલમાં ઓસ્ટ્રેલિયા-એ ટીમ ઈંગ્લેન્ડનો પ્રવાસ ખેડી રહી છે અને તેમાં સામેલ હેન્ડસ્કોમ્બને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન આપી દેવામાં આવ્યું છે. હેન્ડ્સ્કોમ્બ શુક્રવારે જ ટીમની સાથે જ જોડાઈ ગયો હતો. આ જ પ્રેક્ટિસ સેશનમાં ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડ મેક્સવેલને સ્ટાર્કનો બોલ વાગ્યો હતો અને તેણે પણ તત્કાળ નેટ પ્રેક્ટિસ બંધ કરી દીધી હતી અને બંનેને ઈજા ગંભીર છે કે નથી તેની તપાસ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટીન લેંગરે કહ્યું કે, માર્શ ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ચૂક્યો છે. જ્યારે મેક્સવેલની ઈજા ગંભીર નથી. હેન્ડસ્કોમ્બે ૨૧ વન ડેમાં ૩૪.૮૮ની સરેરાશથી ૬૨૮ રન ફટકાર્યા છે, જેમાં ૧ સદી અને ચાર અડધી સદી સામેલ છે. 



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Yz6KIc
via Latest Gujarati News

Post a Comment

0 Comments