
ગુવાહાટી/શિલોંગ, તા. 19 જુલાઇ, 2019, શુક્રવાર
પૂરનો સામનો કરી રહેલાં પૂર્વોત્તર ભારતમાં આજે ભૂકંપના આંચકાથી લોકો હચમચી ઊઠયા હતા. અરૂણાચલ પ્રદેશમાં શુક્રવારે બપોરે અડધા ક્લાકમાં ભૂકંપના ત્રણ આંચકા આવ્યા હતા, જેની તીવ્રતા ૫.૬, ૩.૮ અને ૪.૯ હતી. આ આંચકા પડોશી રાજ્યોમાં પણ અનુભવાયા હતા.
ભૂકંપનું એપી સેન્ટર અરૂણાચલ પ્રદેશના પૂર્વ કામેન્ગમાં જમીનમાં ૧૦ કિ.મી. ઊંડે સ્થિત હતું તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. સૌપ્રથમ આંચકો પૂર્વ કામેન્ગમાં ૨.૫૨ ક્લાકે ૫.૬ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો.
ઈટાનગર, આસામના ગુવાહાટી, નાગાલેન્ડના દિમાપુર સહિતના વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા. જોકે, હજી સુધી જાનહાનીના કોઈ સમાચાર નથી તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. બીજો આંચકો પૂર્વ કામેન્ગમાં અન્ય એક જગ્યાએ ૩.૦૪ ક્લાકે ૩.૮ની તીવ્રતાનો અનુભવાયો હતો.
ત્યાર બાદ બપોરે ૩.૨૧ ક્લાકે ૪.૯ની તીવ્રતાનો ત્રીજો આંચકો અનુભવાયો હતો. તેનું એપી સેન્ટર અરૂણાચલ પ્રદેશના કુમેય જિલ્લાના કુરૂંગમાં જમીનમાં ૯૫ કિ.મી. ઊંડે હતું. આસામમાં એકબાજુ પૂરના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે ત્યારે ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આસામમાં પૂરના કારણે પરિસ્થિતિ હજી પણ ખૂબ જ ખરાબ છે.
બિહારમાં પૂરની સ્થિતિથી લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આસામના ૨૯ જ્યારે બિહારના ૧૨થી વધુ જિલ્લા પૂરની ઝપેટમાં આવ્યા છે. આ વિસ્તારોમાં અંદાજે ૫૦ લાખથી વધુ લોકોને અસર થઈ છે. અનેક લોકો હજી ગુમ છે. બ્રહ્મપુત્ર અને તેની સહાયક નદીઓ ગુવાહાટી સહિત અનેક વિસ્તારોમાં જોખમી સ્તરથી ઉપર વહી રહી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30JS9KU
via Latest Gujarati News
0 Comments