બિહારના પૈગમ્બરપુરમાં પશુચોરીની શંકાથી ટોળાએ ત્રણની હત્યા કરી


મોબ લિન્ચિંગનો ભોગ બનેલા એકની હાલત ગંભીર

(પીટીઆઈ) છાપરા, તા. 19 જુલાઇ, 2019, શુક્રવાર

બિહારના સારણ જિલ્લામાં આવેલા પૈગમ્બરપુરમાં પશુચોરીની શંકાથી ટોળાએ ત્રણને મોતને ઘાત ઉતારી દીધા હતા. મોબ લિન્ચિંગની આ ઘટના પછી પોલીસે ત્રણ શંકમંદોની ધરપકડ કરી છે. મોબ લિન્ચિંગનો ભોગ બનેલા એકની હાલત હજુય ખૂબ જ ગંભીર છે.

બિહારના સારણ જિલ્લાના પૈગમ્બરપુરમાં મોબ લિન્ચિંગની ઘટના બની હતી. પશુચોરીના ચાર આરોપીઓ ઉપર ટોળું તૂટી પડયું હતું. જેમાં ત્રણના ઘટના સ્થળે જ મોત થયા હતા. ટોળાએ મૃતદેહોને એટલાં વિકૃત કરી દીધા હતા તેની ઓળખ પણ મુશ્કેલી બની ગઈ હતી. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી હતી અને મોબ લિન્ચિંગના મુખ્ય સૂત્રધાર ગણાતા ત્રણ આરોપીને પકડીને કાર્યવાહી હાથ ધરી હતી.

મોબ લિન્ચિંગનો ભોગ બનેલા એકની હાલત અતિશય ગંભીર છે. પોલીસે આખાય વિસ્તારમાં એલર્ટ જારી કરીને બંદોબસ્ત ગોઠવ્યો હતો. સ્થાનિક લોકોએ કહ્યું હતું કે નિયત સ્થળે ચોરી કરવા આરોપીઓ ઘૂસ્યા હતા અને તેની પાસેથી પશુ મળી આવ્યા હતા.

તે પછી ઉશ્કેરાયેલા ટોળાએ ચોરીના આરોપીઓ ઉપર હુમલો કર્યો હતો. દાવો તો ત્યાં સુધી થયો હતો કે પશુ ચોરી કરવા આવેલા આરોપીઓ વાહન પણ સાથે લાવ્યા હતા એટલે શંકા વધુ મજબૂત બની હતી. ગામલોકોએ એ વાહન કબજે લઈને પોલીસને સોંપ્યું હતું.

મૃતકોનું ગામ ઘટના સ્થળથી ત્રણ કિલોમીટરના અંતરે છે અને એ ગામમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આખાય વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે. મૃતકોના ગામવાસીઓએ પોલીસને તુરંત કાર્યવાહી કરવાની માગ કરી હતી. મૃતકોના પરિવારજનોએ પશુ ચોરીના આરોપને નકાર્યો હતો.

આ મુદ્દે બિહારના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. શરદ યાદવે ટ્વીટ કરીને છાપરાની આ ઘટના બાબતે કહ્યું હતું કે બિહારમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. રાજ્ય સરકાર નિષ્ક્રિય છે અને ગુંડાઓને કાયદો તોડવાની છૂટ આપે છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xV0Vct
via Latest Gujarati News

Post a Comment

0 Comments