
તા. 6 જુલાઈ 2019, શનિવાર
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે નવી માગ પાંખી હતી. બજેટમાં ઈમ્પોર્ટ ડયુટી વધશે એવી આશાએ બજેટ પૂર્વે બજારમાં વેપારીઓને ખાસ્સા પ્રમાણમાં માલ લઈ લીધો હતો એ જોતાં હવે નવી માગ હાલ તુરત ધીમી રહેવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, બજેટમાં ઈમ્પોર્ટ ડયુટીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી.
વિશ્વબજારના સમાચારો આજે નરમાઈ બતાવનારા મળ્યા હતા અને મુંબઈ બજારમાં માગ ધીમી રહેતાં વિશ્વબજાર પાછળ ભાવમાં હવામાન નરમ રહ્યું હતું. અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૫૮થી ૬૩ પોઈન્ટ માઈનસમાં રહ્યો હતો જ્યારે ત્યાં સોયાખોળના વાયદો ૨૨થી ૨૬ પોઈન્ટ નરમ હતો.
દરમિયાન, ત્યાં સોયાબીનનો વાયદો ઓવરનાઈટ ૧૩૦થી ૧૪૨ પોઈન્ટ તૂટી ગયાના સમાચાર હતા. ન્યુયોર્ક કોટન વાયદો પણ ૨૬થી ૪૩ પોઈન્ટ નરમ રહ્યાના વાવડ હતા. વિશ્વબજારના ખેલાડીઓની નજર અમેરિકા અને ચીન વચ્ચે આગળ ઉપર વેપાર સમજૂતી થાય છે કે નહિં તેના પર રહી છે. ચીને એવી શરત મૂકી છે કે અમેરિકાએ બધી ટેરીફ દૂર કરવી જોઈએ. આવી શરત હેઠળ હવે આ વેપાર સમજૂતીની વાતો આગળ વધે છે કે નહિં તેના પર બજારની નજર રહી છે.
દરમિયાન, મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ પામતેલના હવાલા રિસેલના રૂ.૫૭૪ વાળા રૂ.૫૭૨ રહ્યા હતા જ્યારે જેએનપીટીના ભાવ રૂ.૫૭૨ વાળા રૂ.૫૬૯ બોલાઈ રહ્યા હતા. નવી માગ ધીમી હતી. વેપારો છૂટાછવાયા હતા. ક્રુડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૫૦૦ની અંદર ઉતરી રૂ.૪૯૫થી રૂ.૪૯૬ રહ્યા હતા. સોયાતેલના ભાવ હાજરમાં ડિગમના રૂ.૭૦૦ની અંદર ઉતરી રૂ.૬૯૫ તથા રિફાઈન્ડના ભાવ રૂ.૭૪૦ રહ્યા હતા.
સનફલાવરના ભાવ રૂ.૭૫૫ તથા રિફાઈન્ડના રૂ.૭૯૦ બોલાઈ રહ્યા હતા. મસ્ટર્ડના ભાવ રૂ.૭૯૫ જ્યારે કોપરેલના ભાવ ૧૦ કિલોના રૂ.૧૧૫૦ રહ્યા હતા. સિંગતેલના ભાવ રૂ.૧૧૦ વાળા રૂ.૧૧૧૦ રહ્યા હતા જ્યારે રાજકોટ બાજુ ભાવ ઉંચેથી ઘટી રૂ.૧૦૫૦થી ૧૧૫૦ તથા ૧૫ કિલોના ભાવ રૂ.૧૭૪૦થી ૧૭૬૦ રહ્યાના સમાચાર હતા. ત્યાં આજે કોટન વોશ્ડના ભાવ રૂ.૭૪૦થી ૭૪૨ તથા મુંબઈ બજારમાં કપાસીયા તેલના ભાવ રૂ.૭૮૫ રહ્યા હતા.
દરમિયાન, દિવેલના ભાવમાં આજે ધીમો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે મુંબઈ હાજર એરંડાના ભાવ રૂ.૫૬૨૫ વાળા રૂ.૫૬૨૦ રહ્યા હતા. મુંબઈ ખોળ બજારમાં આજે સિંગખોળના ભાવ ટનના રૂ.૨૩૫૦૦ વાળા વધી રૂ.૨૪૦૦૦ બોલાતા થયા હતા જ્યારે સોયાખોળના ભાવ રૂ.૩૧૬૧૫થી ૩૧૬૨૦ વાળા ઘટી રૂ.૩૧૩૦૦થી ૩૧૩૦૫ રહ્યા હતા. જોકે અન્ય ખોળો શાંત હતા. મગફળીની આળકો આજે સવારે ગોંડલ બાજુ આશરે બે હજાર ગુણી તથા રાજકોટ બાજુ આશરે ત્રણ હજાર ગુણી નોંધાઈ હતી તથા ત્યાં મથકોએ હાજર મગફળીના ભાવ ૨૦ કિલોના જાતવાર રૂ.૯૫૦થી ૯૭૦ તથા ઉંચામાં ભાવ રૂ.૧૦૫૦થી ૧૧૦૦ રહ્યાના સમાચાર હતા.
દરમિયાન, વિશ્વબજારમાં સનફલાવરના ભાવ કાચા તેલના સીઆઈએફ ધોરણે વિવિધ ડિલીવરીના ૭૯૨.૫૦થી ૭૮૫ ડોલર તથા ઓક્ટોબર- નવેમ્બર- ડિસેમ્બર ડિલીવરીના ૭૪૫ ડોલર રહ્યાના સમાચાર હતા.
દરમિયાન, ઘરઆંગણે આજે મધ્ય- પ્રદેશ બાજુ મથકોએ બપોરે સોયાબીનની આવકો આશરે ૧૦ હજાર ગુણી નોંધાઈ હતી તથા ત્યાં હાજર ભાવ રૂ.૩૫૫૦થી ૩૬૦૦ તથા પ્લાન્ટ ડિલીવરીના ભાવ રૂ.૩૬૨૫થી ૩૬૭૫ રહ્યા હતા જ્યારે ત્યાં સોયાતેલના ભાવ રૂ.૭૦૫થી ૭૧૦ તથા રિફાઈન્ડના રૂ.૭૪૨થી ૭૪૫ રહ્યાના સમાચાર હતા.
દરમિયાન, જેએનપીટી ખાતે આજે સોયાતેલ ડિગમના ભાવ રેડીના રૂ.૬૯૮, જૂન શિપમેન્ટના રૂ.૬૮૦, જુલાઈ શિપમેન્ટના રૂ.૬૭૦ તથા ઓગસ્ટ શિપમેન્ટના રૂ.૬૬૫ રહ્યા હતા જ્યારે પામોલીનના ભાવ રેડીના રૂ.૫૭૨થી ૫૭૪ રહ્યા હતા. સનફલાવર કાચાતેલના ભાવ રેડીના રૂ.૭૬૦ તથા જુલાઈ લિફરટીંગના રૂ.૭૬૫ રહ્યા હતા જ્યારે સોયાતેલ રિફાઈન્ડના ભાવ રૂ.૭૪૨થી ૭૪૪ તથા સનફલાવર રિફાઈન્ડના રેડીના રૂ.૭૯૨થી ૭૯૬ રહ્યા હતા.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2S2y4fB
via Latest Gujarati News
0 Comments