રાજ્યસભામાં પણ એનડીએ બહુમતની નજીક, માત્ર સાત સાંસદોની જ જરૂર


નવી દિલ્હી, તા.1 જુલાઇ, 2019, સોમવાર

રાજ્યસભામાં મોદી સરકારે હવે પેન્ડિંગ બિલોને પસાર કરાવવામાં વધુ મુશ્કેલીનો સામનો કદાચ નહીં કરવો પડે કેમ કે એનડીએ ટૂંક સમયમાં રાજ્યસભામાં પણ બહુમત મેળવી લે તેવુ અનુમાન છે. હાલની સ્થિતિ જોતા એનડીએને હવે બહુમત મેળવવા વધુ સાંસદોની જરૂર નહીં રહે. હાલમાં જ ટીડીપીના ચાંર સાંસદો એનડીએમાં સામેલ થઇ ગયા, આ ઉપરાંત ઇન્ડિયન નેશનલ લોક દળ(આઇએનએલડી)ના એક સાંસદ પણ ભાજપમાં જોડાયા છે તેથી રાજ્યસભામાં એનડીએનો દબદબો વધી ગયો છે. આ પાંચ સાંસદો સાથે હવે ભાજપ પાસે રાજ્યસભામાં હવે ૭૬ સાસંદો થઇ ગયા છે. 

અમિત શાહ અને સ્મૃતિ ઇરાની રાજ્યસભામાંથી હવે લોકસભામાં આવી ગયા છે, તેમની જગ્યાએ ભાજપના અન્ય બે નેતાઓને સાંસદ બનાવીને રાજ્યસભામાં મોકલવામાં આવશે. આગામી દિવસોમાં આ ખાલી પડેલી બેઠકો પર ચૂંટણી યોજાશે જેથી ભાજપની હાલની જે ૭૬ની ંસંખ્યા છે તે વધીને ૭૯ થઇ જશે. રાજ્યસભામાં મોદી સરકારને અપક્ષ સાંસદો અમર સિંહ, પરિમલ નથવાણી, સંજય કાકડે, સુભાષ ચંદ્રાનો પણ સાથ છે. આ ઉપરાંત નરેન્દ્ર જાધવ, સ્વપ્ન દાસ ગુપ્તા અને મેરી કેમ પણ એનડીએની સાથે છે.

રાજ્યસભામાં એઆઇએડીએમકેના ૧૩, જદ(યુ)ના ૬, શિવસેનાના ૩, અકાળીદળના ૩, સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટના ૧, એજેપીના ૧, બોડો પીપલ ફ્રન્ટ ૧, આરીઆઇ ૧, અપક્ષ ૪, એલજેપીના ૧ અને અન્ય ત્રણને મેળવતા એનડીએના કુલ ૧૧૬ સાંસદો થઇ જાય છે.  રાજ્યસભામાં કુલ ૨૫૦ સાંસદો છે અને બહુમત માટે ૧૨૩ની જરૂર રહે છે, તેથી હવે એનડીએને બહુમત માટે માત્ર સાત સાંસદોની જ જરૂર છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XJ8iSO
via Latest Gujarati News

Post a Comment

0 Comments