
(પીટીઆઈ) નવી દિલ્હી, તા.1 જુલાઇ, 2019, સોમવાર
પીઓકે અને ગિલગિટને લોકસભાની બેઠક જાહેર કરવાની અરજી સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. તેની સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે અરજદારના વલણની ઝાટકણી કાઢી હતી અને આવી અરજી કરવા બદલ અરજદાર પૂર્વ રૉ અધિકારીને ૫૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
રીસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રૉ)ના પૂર્વ અધિકારી રામ કુમાર યાદવે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ કરી હતી કે પાકિસ્તાનના અંકુશ હેઠળના કાશ્મીરમાં પીઓકે અને ગિલગિટ એમ બે લોકસભા બેઠકો બનાવવી જોઈએ. એ માટે અરજીમાં એવી દલીલ કરવામાં આવી હતી કે કાશ્મીર વિધાનસભામાં આ વિસ્તારની ૨૪ બેઠકો છે, પણ તેની ચૂંટણી થતી નથી એટલે બેઠકો ખાલી રાખવામાં આવે છે. આ વિધાનસભાની બેઠકોને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં બે લોકસભાની બેઠકો જાહેર કરવી જોઈએ. જેમાં એક પીઓકે અને એક ગિલગિટ એમ બે બેઠકો બને તો વિધાનસભાની બેઠકોના હિસાબે યોગ્ય પ્રતિનિધિત્વ રહેશે.
આ પીઆઈએલના સંદર્ભમાં સુપ્રીમે કહ્યું હતું કે કાયદાકીય રીતે આ અરજી અપ્રસ્તૃત છે. સુપ્રીમે અરજદારના વલણની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે અમે તમારૂં મનોરંજન કરવા અહીં નથી બેઠા. તમે દિલ્હીમાં રહો છો ત્યારે કોર્ટને એ જણાવો કે પીઓકે સાથે તમારા શું હિતો-રસ સંકડાયેલા છે? એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે આવી અપ્રસ્તૃત અરજી કરીને કોર્ટનો સમય ખર્ચવા બદલ અરજદારને ૫૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FMDE0H
via Latest Gujarati News
0 Comments