સોના- ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતા ભાવ ફરી તૂટયાઃ કરન્સીમાં બંધ બજારે ડોલર ઉંચકાયો


મુંબઈ, તા. 6 જુલાઈ 2019, શનિવાર

મુંબઈ ઝવેરીબજારમાં આજે બુલીયન બજાર શનિવારના કારણે સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવમાં ઉછાળા ઉભરા જેવા નિવડયા હતા અને ભાવ વિશ્વબજાર પાછળ ઉંચા મથાળેથી ઝડપી નીચા બોલાતા થયાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. વિશ્વબજારમાં સોના- ચાંદીના ભાવ ઝડપી ગબડયાના સમાચાર હતા. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં બંધ બજારે ડોલરના ભાવ ઉંચા બોલાઈ રહ્યા હતા.

વિશ્વબજારમાં પણ વિવિધ કરન્સીઓ સામે ડોલરના ભાવ ઉંચા જતાં તેના પગલે વૈશ્વિક સ્તરે સોનામાં ઉછાળે ફંડવાળાની વેચવાલી વધ્યાના સમાચાર મળ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૬૮.૪૨ વાળા ઉંચામાં રૂ.૬૮.૬૩થી ૬૮.૬૪ થઈ રૂ.૬૮.૫૪થી ૬૮.૫૫ બોલાઈ રહ્યા હતા.

વિશ્વબજારમાં ડોલર ઉંચકાતા સોનાના ભાવ ગબડયા હતા. વૈશ્વિક સ્તરે સોનાના ભાવ ઔંશના શુક્રવારે ઉંચામાં એક તબક્કે ૧૪૨૪.૬૦ ડોલર સુધી જતા રહ્યા હતા તે ત્યારબાદ ગબડતા રહી સપ્તાહના અંતે ૧૪૦૦ ડોલરની અંદર ઉતરી છેલ્લે ૧૩૯૯.૫૦થી ૧૪૦૦ ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા. વિશ્વબજાર ગબડતાં ઘરઆંગણે પણ સોનાની આયાત પડતર નીચી આવતાં મુંબઈ ઝવેરીબજારમાં આજે બંધ બજારે ભાવ નીચા બોલાતા થયાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

મુંબઈ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૩૪૭૩૯ વાળા રૂ.૩૪૩૫૦ જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૩૪૮૭૯ રૂ.૩૪૫૦૦ બોલાઈ રહ્યા હતા. જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૩૭૯૨૫ વાળા રૂ.૩૭૪૦૦થી ૩૭૪૫૦ બોલાઈ રહ્યા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે રૂ.૮૦૦થી ૯૦૦ ઉંચા બોલાઈ રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારના સમાચાર મુજબ અમેરિકામાં તાજેતરમાં જોબલેસ કલેઈમ્સમાં ઘટાડો થયા પછી ત્યાં જોબગ્રોથના આંકડા વધ્યાના સમાચાર હતા. આના પગલે ત્યાં જોબ માર્કેટની પરિસ્થિતિ મજબૂત બનતાં અમેરિકામાાં વ્યાજના દર હવે ઘટવાની શક્યતા ધૂંધળી બન્યાનું જાણકારોએ જણાવ્યું હતું. 

આના પગલે વિશ્વબજારમાં વિવિધ કરન્સીઓ સામે ડોલરના ભાવ ઉંચા ગયા છે સામે સોનાના ભાવ ઝડપથી નીચા ઉતર્યા હતા. દરમિયાન, પ્લેટીનમના ભાવ વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ સપ્તાહના અંતે ત્રણ ટકા ગબડી ઔંશના ૮૧૦.૩૦થી ૮૧૦.૩૫ ડોલર રહ્યા હતા.

જોકે પેલેડીયમના ભાવ વધી ત્રણ મહિનાની ટોચે ઔંશના ૧૫૭૧.૧૦થી ૧૫૭૧.૨૦ ડોલર રહ્યા હતા. અમેરિકાના જોબડાટા સારા આવતાં વિશ્વબજારમાં ક્રુડતેલના ભાવ વધી આવ્યાના વાવડ હતા. બ્રેન્ટક્રુડના ભાવ વધી બેરલના ૬૪ ડોલર કુદાવી ૬૪.૨૦થી ૬૪.૨૫ ડોલર રહ્યાના સમાચાર હતા.

જ્યારે ન્યુયોર્કના ભાવ સપ્તાહના અંતે ૫૭.૫૦થી ૫૭.૫૫ ડોલર રહ્યાના સમાચાર હતા. દરમિયાન, અમેરિકાના પ્રમુખે ફેડરલ રિઝર્વની ટીકા કરતા જણાવ્યું છે કે ફેડરલ રિઝર્વ વ્યાજના દર છાશવારે વધારતું રહ્યું છે તથા તેના પગલે અમેરિકાના અર્થતંત્રને પ્રતિકુળ અસર પડી હોવાનું ટ્રમ્પે જણાવ્યું હતું.

દરમિયાન, ચીન તથા અમેરિકા વચ્ચે વેપાર સમજૂતી સાધવા ફરી પ્રયત્નો શરૂ થયા છે પરંતુ ચીનના જણાવ્યા મુજબ અમેરિકા દ્વારા વિવિધ ટેરીફ પાછી ખેંચી લેવાશે તો જ ટ્રેડ કરાર થઈ શકે તેમ છે. આ જોતાં આ પ્રશ્ને ફરી ગુંચવાડો ઉભો થવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, ન્યુયોર્ક કોપર વાયદાના ભાવ સપ્તાહના અંતે ૦.૮૦થી ૦.૮૫ ટકા માઈનસમાં રહ્યાના સમાચાર હતા.

વિશ્વબજારમાં ચાંદીના ભાવ ઔંશના જે શુક્રવારે ઉંચામાં એક તબક્કે ૧૫.૩૫ ડોલર સુધી જતા રહ્યા હતા તે ત્યાર પછી ગબડી નીચામાં ૧૫ ડોલરની અંદર જતા રહી છેલ્લે સપ્તાહના અંતે ૧૫.૦૦ ડોલર આસપાસ બોલાઈ રહ્યાના સમાચાર હતા. અમેરિકામાં જોબના આંકડા સારા આવતાં તથા ડોલર ઉંચો જતાં તેમજ ભારતમાં આયાત જકાત વધતાં વિશ્વબજારમાં કિંમતી ધાતુઓના ભાવ એકંદરે દબાણ હેઠળ રહ્યાનું વિશ્વબજારના ખેલાડીઓએ જણાવ્યું હતું.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RXCiVT
via Latest Gujarati News

Post a Comment

0 Comments