
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 4 જુલાઇ, 2019, ગુરૂવાર
આરટીઆઇ હેઠળ પૂછવામાં આવેલા પ્રશ્રના જવાબમાં સેન્ટ્રલ ઇન્ફરમેશન કમિશન (સીઆઇસી)એ કેન્દ્રીય પ્રધાનો વિરુદ્ધની ભ્રષ્ટાચારની ફરિયાદોની વિગતો જાહેર કરવા વડાપ્રધાન કાર્યાલય(પીએમઓ)ને નિર્દેશ આપ્યા છે. સીઆઇસીએ વધુમાં જણાવ્યું છે કે વડાપ્રધાન કાર્યાલયે ઉઠાવેલા વાંધા યોગ્ય નથી.
ઉલ્લેખનીય છે કે ૨૦૦૨ની બેન્ચના ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના અધિકારી સંજીવ ચર્તુવેદીએ ઓગસ્ટ, ૨૦૧૭માં આરટીઆઇ અરજી કરી વડાપ્રધાન કાર્યાલય પાસે જૂન, ૨૦૧૪ સુધી અત્યાર સુધી કેન્દ્રીય પ્રધાનો સામે મળેલી ભ્રષ્ટાચારની ફરિયાદોની વિગતો માગી હતી. ઓક્ટોબર, ૨૦૧૭માં વડાપ્રધાન કાર્યાલયે આ અરજીના સંદર્ભમાં જણાવ્યું હતું કે આ માહિતી વ્યાપક અને અસ્પષ્ટ હોવાથી આપી શકાય તેમ નથી. આ માટે તેણે સીઆઇસીના અગાઉના આદેશનો પણ સંદર્ભ આપ્યો હતો.
વડાપ્રધાન કાર્યાલયના આ આદેશની વિરુદ્ધ ચર્તુવેદીએ સીઆઇસીમાં ફરિયાદ કરી હતી. જેના સંદર્ભમાં સીઆઇસીએ ગયા વર્ષે ૧૬ ઓકટોબરે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન કાર્યાલયે અરજકર્તાને યોગ્ય માહિતી અને જવાબ આપ્યો નથી.
સીઆઇસીએ વડાપ્રધાન કાર્યાલયના સેન્ટ્રલ પબ્લિક ઇન્ફરમેશન અધિકારીને ૧૫ દિવસની અંદર માહિતી આપવાનો આદેશ આપ્યો હતો. સીઆઇસીના આ આદેશના સંદર્ભમાં વડાપ્રધાન કાર્યાલયે માહિતી આપવાનો ઇનકાર કરતા આરટીઆઇ એક્ટની કલમ ૭(૯)નો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ ચતુર્વેદીએ સીઆઇસીના ૧૬ ઓક્ટોબરના આદેશનું પાલન ન કરવા બદલ વડાપ્રધાન કાર્યાલય વિરુદ્ધ સીઆઇસીમાં ફરિયાદ દાખલ કરી હતી.
આ ફરિયાદમાં ચતુર્વેદીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન કાર્યાલય આરટીઆઇ એક્ટની કલમ ૭(૯) મુજબ માહિતી આપવાનો ઇનકાર ન કરી શકે. ચતુર્વેદીની આ ફરિયાદની સુનાવણી ૨૩ એપ્રિલ અને ૧૭ જૂને હાથ ધરવામાં આવી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ytkwfv
via Latest Gujarati News
0 Comments