આસામ : નાગરિકતા ગુમાવવાના ડરે આપઘાત વધ્યા

ગુવાહાટી, તા. 3 જુલાઈ 2019, બુધવાર

આસામમાં ગેરકાયદે વસતા લોકોનાં નામ સરકારી રજિસ્ટરમાં નોંધાયેલાં નહીં હોય તો તેમની હકાલપટ્ટી કરવાની કેન્દ્ર સરકારની નીતિના પગલે અહીં આત્મહત્યાની સંખ્યામાં વધારો થયો હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.

બીબીસીના એક અહેવાલ મુજબ આ વર્ષના મે માસમાં આપઘાતની સંખ્યામાં સારો એવો વધારો નોંધાયો હતો. આસામમાં બાંગ્લાદેશ તરફથી ઘુસી આવેલા હજારો પરિવારો વસે છે અને એજન્ટોની મદદથી એ લોકો રેશનિંગ કાર્ડ અને આધાર કાર્ડ જેવી જરૂરી ચીજો મેળવી લેતાં હોય છે. તાજેતરના ભૂતકાળમાં કેન્દ્રસ સરકારે આવા ગેરકાયદે વસતા લોકોની વસતિ ગણતરી કરાવીને એ લોકોની હકાલપટ્ટી કરવાની જાહેરાત કરી હતી. એની સામે સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરાઇ હતી. સુપ્રીમ કોર્ટે આ બાબતે કેન્દ્ર સરકાર પાસે ખુલાસો માગ્યો હતો. આ કેસનો હજુ નિવેડો આવ્યો નથી. 

દરમિયાન, અહીંના લોકોમાં એક છૂપો ડર પેસી ગયો છે કે ગમે ત્યારે અમારી હકાલપટ્ટી થશે. બીબીસીએ કેટલીક ઘટનાઓની વિગતો પણ પ્રસ્તુત કરી હતી. દાખલા તરીકે તાજેતરના રમજાન માસ દરમિયાન 88 વર્ષના એક વૃદ્ધ અશરફ અલીએ પોતાના પરિવારને કહ્યું કે હું રોજા તોડવા માટે ખાવાનું લેવા જાઉં છું. રોજા તોડવા માટેની વાનગી લેવા  ગયેલા એ જૈફે ઘેર પાછા ફરવાને બદલે ઝેર ખાઇને પોતાની જીવનદોરી ટૂંકાવી નાખી હતી. 

એમનાં સ્વજનોએ કહ્યું હતું કે એ સતત એવો ડર વ્યક્ત કરતા હતા કે આપણે અહીંથી જવું પડશે. આમ તો આ પરિવારનું નામ ભારતીય નાગરિકોની યાદીમાં આવી ગયું હતું પરંતુ એને એના પાડોશીએ જ ધમકી આપી હતી કે તમે ગેરકાયદે અહીં રહો છો અને તમારા નાગરિક તરીકેના દસ્તાવેજો બોગસ છે એવી હું ફરિયાદ કરવાનો છું. આથી ઘરના વડીલ ડરી ગયા હતા અને એમણે આપઘાત કરી લીધો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2J6ZDRZ
via Latest Gujarati News

Post a Comment

0 Comments