નવી દિલ્હી, તા. 23 જુલાઈ 2019 મંગળવાર
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની ઝેડ પ્લસ સુરક્ષા પાછી લેવાનો સરકારે નિર્ણય કરી લીધો છે. એટલે કે બ્લેક કેટ કમાન્ડોની ફોજ હવે અખિલેશ યાદવની સુરક્ષામાં નહીં રહેશે. સૂત્રો અનુસાર આ વિશેના આદેશ પર હસ્તાક્ષર થઈ ચૂક્યા છે અને એનએસજીને માહિતગાર કરવામાં આવશે, જોકે મુલાયમ સિંહ યાદવ અને માયાવતીની સુરક્ષામાં એનએસજી તૈનાત રહેશે.
લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી ગઠબંધનની હાર બાદ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની સુરક્ષામાં કપાત જોવા મળી છે. લોકસભા ચૂંટણીમાં હાર બાદ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીનું ગઠબંધન પણ તૂટી ગયુ હતુ. આ ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટીને 10 લોકસભા બેઠકો અને સમાજવાદી પાર્ટીને માત્ર 5 લોકસભા બેઠકો પર જીત મળી હતી.
અગાઉ આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને તેમના પરિવારના સભ્યોની સુરક્ષામાં કટોતી જોવા મળી હતી. ચંદ્રબાબુ નાયડુના પુત્ર નારા લોકેશની પણ સુરક્ષા ઘટાડવામાં આવી હતી. અગાઉ તેમની પાસે ઝેડ કક્ષાનું કવર હતુ, જે હવે વાય કરી દેવાયુ હતુ.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ykj5D7
via Latest Gujarati News
0 Comments