ઈરાન તાત્કાલિક અમારૂં ઓઈલ ટેન્કર મુક્ત નહીં કરે તો ગંભીર પરિણામો ભોગવશે : બ્રિટન


લંડન/તહેરાન, તા.22 જુલાઇ, 2019, મંગળવાર

ઈરાને બ્રિટિશ ઓઈલ ટેન્કર જપ્ત કર્યું તે મુદ્દે ભારે તંગદિલી સર્જાઈ છે. ઈરાને ઓઈલ ટેન્કર મુક્ત કરવાનો સ્પષ્ટ નનૈયો ભણ્યો હતો.  બ્રિટને ઈરાનને ઓઈલ ટેન્કર મુક્ત નહીં કરે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે એવી ચેતવણી આપી હતી.

ઈરાને ક્રૂ-મેમ્બર્સ સહિત બ્રિટિશ ઓઈલ ટેન્કર જપ્ત કરી લીધું હતું. ઈરાને કહ્યું હતું કે આ ટેન્કર આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરતું હોવાથી કાર્યવાહી થઈ છે. ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે બ્રિટને આ જહાજ બાબતે આંતરરાષ્ટ્રીય સ્તરે કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

બીજી તરફ બ્રિટને ઈરાનને ચેતવણી આપી હતી. બ્રિટિશ વડાપ્રધાન થેરેસા મેના પ્રવક્તાએ કહ્યું હતું કે ઈરાને ઓઈલ ટેન્કર જપ્ત કરીને કાયદો તોડયો છે. જો ઈરાન તાત્કાલિક ક્રૂ-મેમ્બર્સ સહિત ઓઈલ ટેન્કર મુક્ત કરે, નહીંતર પરિણામ ગંભીર આવશે. થેરેસા મેએ ઈરાન-બ્રિટન વચ્ચે તંગદિલી વચ્ચે ઈમરજન્સી કેબિનેટ બેઠક બોલાવી હતી અને તેમાં ઈરાન ઉપર આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ સર્જવાનું નક્કી થયું હતું.

ઈરાને બ્રિટનની અપીલને નકારી દીધી હતી અને ટેન્કરને મુક્ત કરવાનો ઈનકાર કર્યો હતો. સાથે સાથે જણાવ્યું હતું કે તમામ ક્રૂ-મેમ્બર્સ સુરક્ષિત છે. તેમને તમામ સુવિધા આપવામાં આવી રહી છે અને તેમની સાથે યોગ્ય વર્તન જ થઈ રહ્યું છે, પરંતુ ટેન્કર મુક્ત કરવામાં આવશે નહીં.

ઈરાને બ્રિટનનું ઓઈલ ટેન્કર જપ્ત કર્યું તે પછી બ્રિટન ઉપરાંત અમેરિકા અને યુરોપિયન સંઘે પણ ઈરાનને ઓઈલ ટેન્કર મુક્ત કરવાની અપીલ કરી હતી. જર્મની-ફ્રાન્સે પણ ઈરાનને અપીલ કરવાની સાથે સાથે ખાડીમાં યુરોપિયન દેશોના જહાજો સુરક્ષિત રહે તે દિશામાં કાર્ય કરવા ઉપર ભાર મૂક્યો હતો.

ભારતીય ક્રૂ-મેમ્બર્સને મુક્ત કરાવવા વિદેશ મંત્રાલયના પ્રયાસો

ઈરાને જપ્ત કરેલા બ્રિટિશ ટેન્કરમાં 18 ભારતીય ક્રૂ-મેમ્બર્સ પણ છે. કુલ 23 ક્રૂ-મેમ્બર્સ સહિત ઓઈલ ટેન્કર ઈરાને પડક્યું છે. ભારતના વિદેશ મંત્રાલયે 18 ભારતીયો બાબતે વાટાઘાટો શરૂ કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું હતું કે સરકારે ભારતીય નાગરિકોની સુરક્ષા માટે ઈરાનની સરકાર સાથે વાતચીત શરૂ કરી છે. તેમને મુક્ત કરીને દેશમાં પાછા લાવવાના તમામ પ્રયાસો શરૂ કરાયા છે. બ્રિટનના ટેન્કરમાં ક્રૂ-મેમ્બર્સમાં 18 ભારતીયો ઉપરાંત, રશિયન, લાતવિયા અને ફિલિપાઈન્સના નાગરિકોનો સમાવેશ થાય છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32Cecom
via Latest Gujarati News

Post a Comment

0 Comments