મોદીની ઊર્જા ક્ષેત્રના 17 સીઈઓ સાથે બેઠક : દેશમાં મોટાપાયે રોકાણની શક્યતા


(પીટીઆઈ) હ્યુસ્ટન, તા. 22 સપ્ટેમ્બર, 2019, રવિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાઉડી હ્યુસ્ટન ટ્વીટ અને ઊર્જા ક્ષેત્રના 17 સીઈઓ સાથે રાઉન્ડટેબલ બેઠક  સાથે અમેરિકાના તેમના ચોથા પ્રવાસની શરૂઆત કરી હતી.

અમેરિકાની આ કંપનીઓની કુલ સંયુક્ત નેટવર્થ 1 લાખ કરોડ રૂપિયા છે અને તેઓ વિશ્વમાં ભારત સહિત 150થી વધુ દેશોમાં કાર્યરત છે. આ બેઠકમાં ભારતની સૌથી મોટી એલએનજી આયાતકાર પેટ્રોનેટ અને અમેરિકાની ટેલુરીઅન ઈન્કની ડ્રીફ્ટવૂડ સાથે વાર્ષિક 50 લાખ ટન ગેસની ખરીદીનો કરાર થયો હતો. 

હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમ પૂર્વે વડાપ્રધાન મોદીએ અમેરિકાના ઓઈલ અને ગેસ સેક્ટર્સના અગ્રણી 17 સીઈઓ સાથે બેઠક કરી હતી, જેમાં તેમણે ભારતની ઊર્જાની વધતી જરૂરિયાતોને પૂરી કરવા માટે તકોને કેવી રીતે ઝડપી શકાય તે અંગેની ચર્ચા કરી હતી.

આ રાઉન્ડટેબલ બેઠકમાં ભારત અને અમેરિકા વચ્ચે પારસ્પરિક રોકાણની તકો વિસ્તારવા અને ઊર્જા સલામતી માટે સાથે મળીને કામ કરવા અંગે ચર્ચા થઈ હતી. અમેરિકામાં એક સપ્તાહ લાંબા પ્રવાસે આવેલા પીએમ મોદીએ બેઠક બાદ ટ્વીટ કરી હતી કે, 'હ્યુસ્ટનમાં આવો અને ઊર્જા અંગે વાત ન કરો તે અશક્ય છે. અમેરિકાના ઊર્જા ક્ષેત્રના અગ્રણી સીઈઓ સાથેની બેઠક ખૂબ જ ફળદાયી રહી. અમે ઊર્જા ક્ષેત્રમાં તકો શોધવા અંગે ચર્ચા કરી હતી.'

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું હતું કે, વિશ્વની અગ્રણી 17 ઊર્જા કંપનીઓના સીઈઓએ આ બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં ભાગ લેનારી બધી જ કંપનીઓ કોઈક રીતે ભારતમાં કાર્યરત છે. આ બેઠક દરમિયાન વડાપ્રધાન અમેરિકાની કુદરતી ગેસ કંપની ટેલુરીઅન ઈન્ક અને ભારતની પેટ્રોનેટ એલએનજી લિમિટેડ વચ્ચે સમજૂતી કરારના સાક્ષી રહ્યા હતા. 

આ કરાર મુજબ પેટ્રોનેટ એલએનજી ટેલુરીઅનના સૂચિત ડ્રીફ્ટવૂડ એલએનજી નિકાસ ટર્મિનલમાં 2.5 અબજ યુએસ ડોલરનું રોકાણ કરશે અને આગામી 40 વર્ષ સુધી વાર્ષિક 40 લાખ મેટ્રિક ટન એલએનજી મેળવશે. બંને કંપનીઓ વચ્ચે 31મી માર્ચ 2020 સુધીમાં ટ્રાન્ઝેક્શન્સને અંતિમ ઓપ અપાશે.

અગાઉ વડાપ્રધાન કચેરી (પીએમઓ)એ ટ્વીટર પર અમેરિકા સિૃથત ટોચની ઓઈલ કંપનીઓમાંથી કેટલાકના સીઈઓ સાથે મોદીની બેઠકના કેટલાક ફોટોગ્રાફ્સ પોસ્ટ કર્યા હતા. પીએમઓ ટ્વીટ કરી કે, 'આ બેઠકથી ભારત અમેરિકાના મૈત્રીપૂર્ણ સંબંધો વધુ ઊર્જાસભર બનશે. હ્યુસ્ટનમાં પીએમ મોદીની સૌપ્રથમ બેઠક ઊર્જા ક્ષેત્રના સીઈઓ સાથે હતી. ભારત અને અમેરિકાએ આ સેક્ટરમાં ડાયવર્સિફાઈ સહકાર તરફ નજર દોડાવી છે.'



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31Inpuz
via Latest Gujarati News

Post a Comment

0 Comments