
ભોપાલ, તા. 16 સપ્ટેમ્બર, 2019, સોમવાર
મધ્ય પ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ પ્રવર્તી છે જેથી પાણીમાં ફસાયેલા 45,000 જેટલા લોકોને રવિવારે સલામત સ્થળે શિબિરોમાં ખસેડવામાં આવ્યા હતા.
મધ્ય પ્રદેશના પૂર પ્રભાવિત મંદસૌર, રતલામ, આગર-માલવા, શાજાપુર, ભિંડ, શ્યોપુર, નીમચ, દમોહ, રાયસેન અને અશોકનગર જિલ્લાના લોકોને બચાવવા માટે યુદ્ધની ગતિએ કામ કરવામાં આવ્યું હતું અને આશરે 45,000 જેટલા લોકોને 150 જેટલા કેમ્પમાં શરણ આપવામાં આવ્યું હતું.
સરકારે પૂર પ્રભાવી જિલ્લાના લોકોની સહાય માટે 100 કરોડ રૂપિયાની સહાય ફાળવી હતી જેથી પીડિતોને રહેવા-ખાવાની સુવિધા આપી શકાય અને તેમને થયેલા અન્ય નુકસાનની ભરપાઈ કરી શકાય.
આ ઉપરાંત રાહત અને બચાવ કાર્યો માટે 325 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. પશ્ચિમી મધ્ય પ્રદેશના બે પાડોશી જિલ્લા મંદસૌર અને નીમચમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે જેથી જનજીવન ખોરવાયું છે.
હવામાન ખાતાના અધિકારીએ જણાવ્યું કે, નીમચ જિલ્લાના મનસા ગામમાં રવિવાર સવાર સુધીના 24 કલાકમાં આશરે 243 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. મૂશળધાર વરસાદને પગલે મંદસૌર જિલ્લાના 100થી 125 જેટલા ગામોના 13થી 14 હજાર જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને મોટા ભાગના ગામો સાવ ખાલી થઈ ગયા હતા.
મંદસૌરમાં પહેલી જૂનથી અત્યાર સુધીમાં સરેરાશ 742.1 મીમી વરસાદ પડવો જોઈએ તેના બદલે 1,927.8 મીમી જેટલો વરસાદ નોંધાયો છે. આ પ્રકારે નીમચમાં પણ લગભગ બમણી માત્રામાં વરસાદ નોંધાયો છે જેથી ભારે મુશ્કેલી વ્યાપી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30p6sUz
via Latest Gujarati News
0 Comments