કોલકાતાના પૂર્વ પોલીસ કમિશનર કુમાર ફરી વાર CBIની ઓફિસે હાજર ના થયા


(પીટીઆઇ) કોલકાતા, તા. 16 સપ્ટેમ્બર, 2019, સોમવાર

શારદા ચીટ ફંડ કૌભાંડના સબંધમાં પૂછપરછનો સામનો કરવા કોલકાતાના પૂર્વ પોલીસ કમિશનર આજે પણ સીબીઆઇની ઓફિસે હાજર રહ્યા ન હતા.

તપાસ કરતી એજન્સીએ કુમારને સોમવારે બપોરે બે વાગે ઓફિસમાં હાજર રહેવા સમન્સ મોકલ્યું હતું, પરંતુ કુમાર સોલ્ટ લેકમાં આવેલી દેશની અગ્રણી તપાસ એજન્સીના મથકે ગયા જ નહતા.

 અગાઉ પણ શનિવારે કુમારને તપાસ એજન્સી સમક્ષ હાજર રહેવા સમન્સ મોકલાયું હતું, પરંતુ તેઓ પૂછપરછ માટે હાજર થયા જ નહતા.

સીબીઆઇના અધિકારીઓ શનિવારે રાજ્યના સચિવાલય  'નબ્બના'ગયા હતા અને રાજ્યના પોલીસ મહાનિર્દેશક વીરેન્દ્રને એક પત્ર આપ્યો હતો જેમાં કુમારને 16 સપ્ટેમ્બરે એજન્સીની ઓફિસે બપોરે બે વાગે હાજર રહેવા કહેવામાં આવ્યું હતું.

કુમાર હાલમાં રાજ્ય સીઆઇડીના અધિક મહાનિર્દેશક છે. સીબીઆઇના અધિકારીઓ સોમવારે સવારે સચિવાલય ગયા હતા અને મુખ્ય સચિવ આલાપન બંધોપાધ્યાયને કુમારે શનિવારે એજન્સીમાં હાજરી આપી નહતી તેની ફરીયાદ કરી હતી.

સોમવારે તેમણે બે અધિકારીઓને કુમારને હાજર રહેવા જાણ કરી હતી. તપાસ એજન્સીએ પત્રમાં એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે કુમાર હાલમાં ક્યાં છે અને તેમને ક્યા આધારે એક મહિનાની લાંબી રજા આપવામાં આવી હતી,એમ સચિવાલયમાં ફરજ બજાવતા એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતુ. ઉપરાંત કુમાર તપાસ માટે  ક્યારે હાજર થશે એ જાણવાનો પણ એજન્સીના અધિકારીઓએ પ્રયાસ કર્યો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2I9UgAJ
via Latest Gujarati News

Post a Comment

0 Comments