મિરારોડના સેંકડો રોકાણકારો સાથે કરોડોની છેતરપિંડી


મુંબઈ, તા. 16 સપ્ટેમ્બર 2019, સોમવાર

મિરારોડના રહેતા મધ્યમ વર્ગના લોકો, મહિલાઓ અને સિનિયર સિટીઝનોને મહિને ૪ થી ૫ ટકાના વ્યાજની લાલચ આપી તેમની સાતે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર એક પોન્ઝી કંપનીના બે ડાયરેકટર સહિત આઠ જણા સામે નયા નગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જોકે ઓફિસને તાળા લગાવી રફુચક્કર થઇ ગયેલા આરોપીઓને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે હાલ બે જણાને તપાસ માટે કસ્ટડીમાં લીધા છે. પોન્ઝી કંપની દ્વારા આચરાયેલી છેતરપિંડીની રકમ કરોડોમાં હોવાથી આ તપાસ આર્થિક ગુના શાખાને સોંપવામાં આવી છે.

આ સંદર્ભે પોલીસસૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતાનુસાર આરોપીઓએ મિરારોડના પોશ એવા પૂનમ સાગર વિસ્તારમાં તેમની ઓફિસ શરૂ કરી હતી. આ લોકોએ તેમની કંપની આંતરરાષ્ટ્રીય સ્તરની હોવાની અને દેશભરમાં તેની શાખાઓ ફેલાયેલી હોવાનું ચિત્ર રજૂ કરી રોકાણ કારોને મહિને ૪ થી ૫ ટકા વળતરનું વચન આપ્યું હતું. પરિણામે આ લોકોની વાતોમાં આવી સેંકડો નાના રોકાણકારોએ વિવિધ યોજનામાં પૈસાનું રોકાણ કર્યું હતું.

શરૂઆતમાં લોકોનો વિશ્વાસ સંપાદન કરી તેમને વળતર આપનાર કંપનીએ ત્યારબાદ લોકોને પૈસા આપવાનું બંધ કરી દીધું હતું અને તેમણે રોકેલા પૈસા કઢાવવાની પણ મનાઇ ફરમાવી દીધી હતી. અંતે ગત અઠવાડીયે સંચાલકો ઓફિસના શટર બંધ કરી રફુચક્કર થઇ ગયા હતા. લોકોનો વિશ્વાસ જીતવા અને લોકોને રોકાણ માટે પ્રવૃત્તિ કરવા લઘુમતિ સમાજના એક  સ્થાનિક ધર્મગુરુની પણ મદદ લીધી હતી. હાલ પોલીસ તેમજ આર્થિક ગુના શાખા આ કેસની તપાસ કરી રહી છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LSNjVP
via Latest Gujarati News

Post a Comment

0 Comments