ભાગલપુરમાં ત્રણ તલાક મામલે પ્રથમ ધરપકડ, આરોપી જેલમાં


ભાગલપુર, તા. 22 સપ્ટેમ્બર, 2019, રવિવાર

બિહારના ભાગલપુર જિલ્લામાં આવેલા નાથનગરમાં સિટી ડીએસપીએ ત્રણ તલાક મામલે આરોપી મો.સરફરાઝની ધરપકડ કરી છે. ગત 15 સપ્ટેમ્બરના રોજ સરફરાઝે પોતાની પત્ની અલકુમાને ત્રણ તલાક આપ્યા હતા અને ફરિયાદના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. 

બિહારના ભાગલપુર જિલ્લામાં પ્રથમ વખત ત્રણ તલાક મામલે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો છે. થોડા સમય પહેલા નરગા મહોલ્લાની અલકુમાની શાદી સરદારપુરના મો.સરફરાઝ સાથે કરવામાં આવી હતી. 

લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે સતત વિવાદ ચાલી રહ્યા હતા અને તેના ઉકેલ માટે મહોલ્લાવાસીઓ દ્વારા પંચાયત યોજવામાં આવી હતી. જો કે, ત્યાર બાદ પણ સરફરાઝે પત્નીને પ્રતાડિત કરવાનું ચાલું રાખ્યું હતું જેથી ત્રણ સપ્ટેમ્બરના રોજ નાથનગર થાણામાં તેના વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 

ત્યાર બાદ ગત 15 સપ્ટેમ્બરના રોજ સરફરાઝે અલકુમાને ત્રણ તલાક આપી દીધા હતા જેથી અલકુમાએ ડીઆઈજી સમક્ષ રજૂઆત કરી હતી. ડીઆઈજીના નિર્દેશ પર ફરિયાદ નોંધીને આ કેસની તપાસ કરવામાં આવી હતી પરંતુ તે વખતે સરફરાઝે પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું હતું. યોગ્ય તપાસ બાદ સરફરાઝની ત્રણ તલાક મામલે ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટ સમક્ષ રજૂ કર્યા બાદ તેને જેલમાં પુરવામાં આવ્યો હતો.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30fxWRm
via Latest Gujarati News

Post a Comment

0 Comments