હિંદ મહાસાગરમાં નૌકાદળના વિમાનોએ ચીનના સાત યુદ્ધજહાજની હિલચાલ નોંધી


નવી દિલ્હી, તા. 16 સપ્ટેમ્બર, 2019, સોમવાર

ભારતની જળસીમાની નજીક ચીનના યુદ્ધજહાજોની હિલચાલ દર્જ થઈ હતી. ભારતીય નૌકાદળના જાસૂસી વિમાનોએ ચીનના સાત યુદ્ધજહાજોની હિલચાલ નોંધી હતી અને તેની તસવીરો લીધી હતી. જોકે, એ યુદ્ધજહાજો ભારતની જળસીમાની નજીકથી ફરી પાછા શ્રીલંકાની જળસીમામાં ચાલ્યાં ગયાં હતાં.

ચીને માલવાહન જહાજોની રખેવાળીના નામે શ્રીલંકા નજીકની જળસીમામાં યુદ્ધજહાજો તૈનાત રાખ્યા છે.  સોમાલિયન ચાંચિયાઓથી માલવાહક જહાજોને બચાવવાના બહાને સાત-સાત યુદ્ધજહાજ હિંદ મહાસાગરમાં હાજર રાખીને હિંદ મહાસાગરમાં શક્તિ વધારવાની ચીનની ગણતરી છે.

અદનની ખાડી તરીકે ઓળખાતા હિંદ મહાસાગરના ક્ષેત્રમાં પહેલાં તો ચીન ત્રણ યુદ્ધજહાજો માલવાહક જહોજોના રક્ષણ માટે રાખતું હતું, એ પછી યુદ્ધજહાજોની સંખ્યા વધારીને સાત કરી દીધી હતી.

ભારતની જળસીમામાં વારંવાર ઘૂસવાની ફિરાકમાં ચીનના યુદ્ધજહાજો રહેતા હોય છે, પરંતુ ભારતીય નૌકાદળની સર્તકતના પરિણામે એ શક્ય બનતું નથી. દરમિયાન ચીનના સાત યુદ્ધજહાજો ભારતીય આર્થિક ઝોનની બિલકુલ નજીક પહોંચી ગયાનું નૌકાદળના જાસૂસી વિમાન પી-8આઈના ધ્યાનમાં આવ્યું હતું. આ જાસૂસી વિમાનના કેમેરામાં ચીનના આ યુદ્ધજહાજની હિલચાલની તસવીરો પણ કેદ થઈ હતી.

જોકે, ભારતીય જળસીમાની નજીક પહોંચીને ચીનના એ યુદ્ધજહાજો ફરી પાછા શ્રીલંકાની જળસીમામાં પ્રવેશી ગયા હતા. ચીનના આ યુદ્ધજહાજોની હિલચાલ પછી ભારતીય નૌકાદળે સતર્કતા વધારી દીધી છે.

હિંદ મહાસાગરમાં ચીન પ્રભુત્વ વધારવાની મહાત્વાકાંક્ષા સેવી રહ્યું છે. એના પરિણામે ચીને આ ક્ષેત્રમાં ભવિષ્યમાં એરક્રાફ્ટ કરિયરને પણ તૈનાત કરવાની યોજના બનાવી છે. તે ઉપરાંત ચીનના નૌકાદળે ડિજબૌટીમાં એક બેઝ પણ બનાવ્યો છે, કે જ્યાંથી એ ઓપરેશનને અંજામ આપી શકે. આખા હિંદ મહાસાગરમાં આણ વર્તાવવા ચીન સતત હવાતિયા મારતું રહે છે.

બીજી તરફ ભારતીય નૌકાદળ પાસે આઈએનએસ વિક્રમાદિત્ય કાર્યરત છે. બીજું કોચીનમાં તૈયાર થઈ રહ્યું છે. ભારતીય નેવી ત્રીજું એરક્રાફ્ટ પણ આ વિસ્તારમાં તૈનાત કરવા ઈચ્છે છે, જે 60  હજાર ટનનું હોય. હિંદ મહાસાગરની દખલને રોકવા ભારતે ત્રણ યુદ્ધજહાજને તૈનાત રાખવાની જરૂરિયાત હોવાનું નિષ્ણાતો માને છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V0EIEo
via Latest Gujarati News

Post a Comment

0 Comments