
મુંબઈ, તા.14 ઓક્ટોબર, 2019, સોમવાર
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને બંગાળ ક્રિકેટ એસોસિયેસનના વર્તમાન પ્રમુખ સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટ બોર્ડ(બીસીસીઆઈ)ના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવશે તે નિશ્ચિત બની ગયું છે.
આજે ભારતીય ક્રિકેટ બોર્ડના હોદ્દેદારોની ચુંટણી કે જે આગામી 23 ઓક્ટોબરે થવાની છે તે માટે ફોર્મ ભરવાની આખરી તારીખ હતી ત્યારે પડદા પાછળની સ્ક્રીપ્ટ પ્રમાણે એક માત્ર ગાંગુલીએ જ ફોર્મ ભર્યું હતું.
ગાંગુલીની સાથે તેને સમર્થન જાહેર કરતા ભારતીય ક્રિકેટ બોર્ડના ભૂતપૂર્વ પ્રમુખ શ્રીનિવાસન, ભૂતપૂર્વ સેક્રેટરી નિરંજન શાહ અને આઇપીએલના ચેરમેન રાજીવ શુક્લા બીસીસીઆઈના મુંબઈ સ્થિત હેડ કવાર્ટરમાં ફોર્મ ભરવા ગયા હતા.
તેવી જ રીતે કેન્દ્રના ગૃહ મંત્રી અમિત શાહના પુત્ર જય શાહ ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી તરીકે નિયુક્તિ પામશે. ગાંગુલીની ટીમમાં કેરાલા ક્રિકેટ એસોસિયેશનના સભ્ય જયેશ જ્યોર્જ જોઈન્ટ સેક્રેટરી તરીકે તેમજ બોર્ડના ભૂતપૂર્વ પ્રમુખ અનુરાગ ઠાકુર કે જે કેન્દ્રમાં રાજ્યકક્ષાના નાણા અને કોર્પોરેટ મંત્રી પણ છે તેના ભાઈ અરૂણ ધુમાલ ટ્રેઝરર તરીકે જાહેર થશે.
એક મિડિયાના અહેવાલ તેમજ અંતરંગ વર્તુળોમાં ચાલતી ચર્ચા પ્રમાણે હજુ ગઈકાલ મોડી સાંજ સુધી કર્ણાટક ક્રિકેટ એસોસિયેસનના પ્રમુખ અને ભૂતપૂર્વ ક્રિકેટર બ્રિજેશ પટેલ પણ નામાંકન પત્ર ભરી ગાંગુલી સામે રેસમાં ઉતરવા માટે મક્કમ હતા અને શ્રીનિવાસનનું તેમને બેકીંગ હતું.
તેઓ નવી દિલ્હીમાં અમીત શાહને મળવા ગયા હતા પણ ભાજપના નેતા અનુરાગ ઠાકુરે ગાંગુલીનું નામ આગળ કરતાં અમીત શાહે બ્રિજેશ પટેલને રેસમાં ખસી જવા સમજાવ્યા હતા એટલું જ નહીં પણ શ્રીનિવાસનને પણ ગાંગુલીને ટેકો આપી બિનહરીફ પ્રમુખ બને તેવો ખેલ પાડયો હતો. સ્વાભાવિક છે કે જય શાહ સેક્રેટરી માટે પહેલેથી નિશ્ચિત અને ફેવરિટ હતા.
અંતે એવું સમાધાન થયું કે બ્રિજેશ પટેલને આઈપીએલની ગવનગ કાઉન્સિલના ચેરમેન તરીકે બિનહરીફ જાહેર કરાશે. આ સાથે એ પણ સ્પષ્ટ થાય છે કે જય શાહને બીસીસીઆઇના સેક્રેટરી બનાવવાની વ્યૂહ રચના બે અઠવાડિયા પહેલાથી નક્કી હશે કેમ કે એક તબક્કે એવું માનવામાં આવતું હતું કે જય શાહ ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ તરીકે વહેલા મોડા નિયુક્ત થશે કેમ કે પ્રમુખપદ સિવાયની તમામ નિયુક્તિ જીસીએમાં જાહેર થઇ ગઈ હતી.
હજુ પણ આ જગા ખાલી જ રખાઈ હોઈ આ અટકળ જોર પકડતી હતી પણ અચાનક ગઈકાલે સાંજથી જય શાહનું નામ બોર્ડના સેક્રેટરી તરીકે વહેતું થતા આ રણનીતિ કેટલી પૂર્વઆયોજીત હશે તે માસ્ટર સ્ટ્રોક જોવા મળ્યો છે. 47 વર્ષીય ગાંગુલી બોર્ડનો પ્રમુખ બનશે તે જાહેર થતા જ ભૂતપૂર્વ ક્રિકેટરો અને હોદ્દેદારોએ અત્યારથી જ અભિનંદન આપતા ટવીટ કરવા માંડયા છે.
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ પણ ગૌરવ લેતા ગાંગુલીને શુભેચ્છા પાઠવી છે.એટલું જ નહિ ગાંગુલી બિનહરીફ હોઈ ફોર્મ ભરીને બહાર આવ્યા પછી તે હોદ્દા પર બિરાજમાન જ હોય તેમ ભારતીય ક્રિકેટની પ્રગતિ માટે તે શું કરવા માંગે છે તે રોડમેપ પણ તેણે મીડિયાને જણાવ્યો હતો.
બોર્ડના વર્તમાન કાર્યકારી પ્રમુખ સી . કે . ખન્નાએ પણ હવે જાણે તેનો કાર્યકાળ પૂરો થઇ ગયો હોય તે સ્વીકારી મીડીયાને નિવેદન આપ્યું હતું કે ઘણા અરસાથી બોર્ડ પડકારજનક અને અવિશ્વનીય માહોલમાંથી પસાર થઇ રહ્યું હતું હવે સુપ્રીમ કોર્ટ નિયુક્ત વિનોદ રાયની કમિટી વહીવટી હવાલો ગાંગુલીની ટીમને સોંપશે અને ફરી ક્રિકેટ માટેનું હકારાત્મક વાતાવરણ સર્જાશે.
અત્યાર સુધી એવી ટીકા થતી આવી છે કે જેઓ ખાસ કે ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા નથી તેઓ જ બોર્ડનો હવાલો સંભાળતા રહ્યા છે ત્યારે ગાંગુલી જેવો ભારતીય ક્રિકેટનો એક શ્રેષ્ઠની યાદીમાં સ્થાન પામે તેવો ક્રિકેટર અને ભૂતપૂર્વ કેપ્ટન બોર્ડનો પ્રમુખ બને તે ટ્રેન્ડ ખુબ જ આવકારદાયક છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2BaqXtI
via Latest Gujarati News
0 Comments