
6000 કરોડની અટલ ભૂ જળ યોજનાને પણ મંજૂરી : કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને ઉ. પ્રદેશના 8૩50 ગામોને આવરી લેવાશે
ઇન્સોલવન્સી એન્ડ બેંકરપ્સી કોડ(આઇબીસી)માં સુધારો કરવા માટેના વટહુકમને પણ મંજૂરી આપવામાં આવી
રેલવે બોર્ડના પુનર્ગઠનને પણ મંજૂરી : રેલવે બોર્ડના સભ્યોની સંખ્યા આઠથી ઘટાડીને ચાર કરવામાં આવશે
નવા આર્મ્સ એક્ટમાં સંશોધનને મંજૂરી હવે લાઇસન્સવાળા બે હથિયાર રાખી શકાશે
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 24 ડિસેમ્બર, 2019, મંગળવાર
સરકારે વસ્તી ગણતરી, 2021 માટે 8754 કરોડ રૂપિયા અને એનપીઆરને અપડેટ કરવા માટે ૩941 કરોડ રૂપિયાના ભંડોળને મંજૂરી આપી છે. આગામી વર્ષે એપ્રિલથી વસ્તી ગણતરી, 2021ના પ્રથમ તબક્કાની સાથે જ એનપીઆર અપડેટની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. એનપીઆર અપડેટની પ્રક્રિયા સપ્ટેમ્બર સુધી પૂર્ણ કરી લેવામાં આવશે.
એનપીઆરની શરૂઆત 2010માં યુપીએના શાસનમાં કરવામાં આવી હતી. વસ્તી ગણતરી, 2021 બે તબક્કામાં પૂર્ણ કરાશે. પ્રથમ તબક્કામાં એપ્રિલથી સપ્ટેમ્બર, 2020 સુધીમાં ઘરોની ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરાશે. બીજા તબક્કા હેઠળ 9 ફેબુ્રઆરીથી 28 ફેબુ્રઆરી સુધી વસ્તી ગણતરી કરાશે.
નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરને અપડેટ કરવા માટે કેન્દ્રીય મંત્રીમંડળે ૩941.૩5 કરોડ રૂપિયાના ભંડોળને મંજૂરી આપી છે. એનપીઆરને અપડેટ કરવાની કામગીરી આગામી વર્ષે એપ્રિલથી શરૂ કરવામાં આવશે. એનપીઆર દેશમાં વસવાટ કરતા લોકોની યાદી છે.
આ યાદીમાં સ્વભાવિક રહેવાસીઓના નામ સામેલ કરવામાં આવશે. છેલ્લા છ મહિના કે તેથી વધુ સમયથી સ્થાનિક વિસ્તારમાં વસતા રહેવાસીઓ અથવા એવા રહેવાસી કે જે આગામી છ મહિના કે તેથી વધુ સમય માટે વસવાટ કરવા માગતા હોય તેવા લોકોને એનપીઆરમાં સામેલ કરવામાં આવે છે.
2010માં નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર માટે ડેટા કલેક્ટ કરવામાં આવ્યો હતો.આ ડેટાને 2015માં ઘરે ઘરે ફરીને અપડેટ કરવામાં આવ્યો હતો. આ અપડેટ માહિતીનું ડિજિટલાઇઝેશનનું કાર્ય પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. ભારતમાં વસતા દરેક વ્યકિતએ એનપીઆરમાં પોતાનું નામ રજિર્સ્ડ કરાવવું ફરજિયાત છે.
ઓફિસ ઓફ ધ રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનરની વેબસાઇટ અનુસાર એપ્રિલથી સપ્ટેમ્બર, 2020 સુધીમાં નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરને અપડેટ કરવામાં આવશે અને તેની સાથે જ વસ્તીગણતરી, 2021 માટે હાઉસ લિસ્ટિંગ તબક્કો શરૂ કરવામાં આવશે.
કેબનિટે લીધેલા અન્ય મહત્ત્વપૂર્ણ નિર્ણય હેઠળ ઇન્સોલવન્સી એન્ડ બેંકરપ્સી કોડ(આઇબીસી)માં સુધારો કરવા માટેના વટહુકમને પણ મંજૂરી આપવામાં આવી છે. એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ ફેરફારો પછી કોર્પોરેટ દેવાદાર પર નાદારી સમાધાન પ્રક્રિયા શરૂ થવાથી પહેલા કરવામાં આવેલા અપરાધ માટે કોઇ દેવાદારી બનશે નહીં.
કેબિનેટ બેઠકમાં લેવાયેલા અન્ય એક મહત્ત્વપૂર્ણ નિર્ણય હેઠળ અટલ ભૂજલ યોજનાને મંજૂરી આપવામાં આવી છ. ભૂ જળ સ્ત્રોતના સુયોગ્ય સંચાલન માટેની આ યોજના પાછળ 6000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.
આ સ્કીમ હેઠળ કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને ઉત્તર પ્રદેશના 8૩50 ગામોને આવરી લેવામાં આવશે. કેબિનેટે રેલવે બોર્ડના પુનર્ગઠનને પણ મંજૂરી આપી દીધી છે. પુનર્ગઠન હેઠળ રેલવે બોર્ડના સભ્યોની સંખ્યા આઠથી ઘટાડીને ચાર કરવામાં આવશે. નવા બોર્ડમાં ફક્ત ઓપરેશન અને બિઝનેસ ડેવલોપમેન્ટ, હ્યુમન રિસોર્સિસ, ઇન્ફ્રાસ્ટ્રકચર અને ફાઇનાન્સના જ સભ્યો હશે.
એનપીઆરને આધારે એનઆરસી તૈયાર કરવાની કોઇ યોજના નથી
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 24
આગામી વર્ષે અપડેટ કરાનારા નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર(એનપીઆર) ની માહિતીને આધારે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન(એનઆરસી) તૈયાર કરવાની કોઇ યોજના બનાવવામાં આવી નથી તેમ સત્તાવાળાઓએ જણાવ્યું હતું. એનઆરસી અને સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ અંગે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ગૃહ મંત્રાલયના અધિકારીઓ દ્વારા આ સ્પષ્ટતા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે વડાપ્રધાન મોદીએ પણ જણાવ્યું હતું કે સરકારમાં એનઆરસી અંગે કોઇ ચર્ચા કરવામાં આવી નથી.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QfRNIe
via Latest Gujarati News
0 Comments