
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક વિવાદમાંથી બહાર નથી આવતા. ઇરાન, ઇરાક, લીબીયા, યમન, સોમાલિયા સુદાન, સીરીયા જેવા દેશના નાગરિકો પર પ્રતિબંધ હોય કે એચ વન બી વિઝાની કડકાઈ હોય. મહત્વના હોદ્દા પર બિરાજમાન અધિકારીઓ, પ્રધાનોને તે મતભેદ થતા જ પાણીચું પકડાવી દે છે. ટ્રમ્પ જો કે અમેરિકનોનું હિત આગળ કરતા હોઇ તેમનાં સમર્થકોનો બહોળો વર્ગ પણ છે. મેકસિકનોની ઘૂસણખોરી પણ નિયંત્રણમાં આવી છે.
આવી લોકપ્રિયતા અને મિશ્ર આલોચના વચ્ચે ટ્રમ્પ જ્યારે ૨૦૨૦ની બીજી ટર્મ માટેનો પ્રચાર પણ પ્રારંભ કરી ચૂકયા છે ત્યારે તેમને તેમના પદ પરથી હટાવવા માટેનો મહાભિયોગ પ્રસ્તાવ ઠરાવ નીચેના ગૃહમાં પસાર થઈ ચૂકયો છે. તેમાં બહુમતિ હરિફ પક્ષ ડેમોક્રેટસ છે. હવે આગામી જાન્યુઆરીમાં ટ્રાયલ બાદ મતદાન થશે. ઉપરના ગૃહમાં જો તેને બહુમતિ નહીં મળે તો ટ્રમ્પને પ્રમુખપદ પરથી ઉતરવું પડશે.
ઉપરના ગૃહમાં તેના રિપબ્લીકન પક્ષની બહુમતિ હોઇ ટ્રમ્પ આ મહાભિયોગની વૈતરણી પાર પાડી જશે તેમ લાગે છે. આમ છતાં પક્ષમાં અંદરથી જ ઘણા એવું ઇચ્છતા હોય કે ટ્રમ્પનું ૨૦૨૦માં પત્તુ કપાય તો ટ્રમ્પને આંચકો સહન કરવો પણ પડે. ટ્રમ્પ પર એ આરોપ છે કે તેણે તેના પ્રમુખ પદના પ્રભાવનો ઉપયોગ કરીને યુક્રેનની સરકાર પર જોન બાયડન જેવા તેના ૨૦૨૦ની ચૂંટણીના સંભવીત પ્રતિસ્પર્ધી સામે ભુતકાળના જે આરોપ હતા તે સાચા છે તેવું પુરવાર કરી તેને બદનામ કરે તેવું દબાણ સર્જ્યું હતું. ડેમોક્રેટસ તરફથી બાયડન ૨૦૨૦ની ચૂંટણીમાં ઉભા રહે તેમ છે.
બાયડન ઓબામા સરકારમાં ઉપરાષ્ટ્રપતિ હતા અને બાયડનના પુત્રના જંગી રોકાણ યુક્રેનમાં હોઇ બાયડને ઓબામા પર ૨૦૧૪માં તમામ સ્તરે બળ કે રાજનીતિક નિર્ણયો વાપરીને રશિયા યુક્રેન પર હાવી ના થઇ જાય તેવી રણનીતિ ઘડવા દબાણ કર્યું હતું. યુક્રેનની સરકાર પર પણ બાયડન તેના પુત્રના તેમજ તેના વેપારી હિતો જળવાય તે માટે સત્તાનો ઉપયોગ કરતા હતા. ટ્રમ્પ આવી બધી પુરાવા વગરની વાતો યુક્રેનની સરકાર પાસેથી બાયડન પર આરોપોના રૂપમાં જોવા ઇચ્છતા હતા. ડેમોક્રેટસ પક્ષ પાસે પૂરતા પૂરાવા હોઇ ટ્રમ્પ સામે મહાભિયોગ આગળ ચાલ્યો છે.
અમેરિકાના ઇતિહાસમાં નિકસન, કલીન્ટન પછી ટ્રમ્પ ત્રીજા પ્રમુખ છે જેણે આ મહાઉપાધીનો સામનો કરવો પડયો હોય. વેઇટ એન્ડ વોચ...

બ્રિટનમાં જોન્સનનો જાદુ લેબર પાર્ટીને ફટકો: બ્રેકિઝટ માટે માર્ગ મોકળો
બ્રિટનમાં બોેરિસ જોન્સનના નેતૃત્વ હેઠળ કન્ઝર્વેટિવ પાર્ટીએ ૩૬૫ (+૪૭) બેઠકો પ્રાપ્ત કરી લેબર પાર્ટીને ભારે આંચકો આપ્યો હતો. લેબર પાર્ટી કે જે પણ જીતના સપના જોતી હતી તેઓને ૨૦૩ (-૫૯) બેઠકો જ મળી હતી. જોન્સન આમ તો થેરેસા મે ના રાજીનામા બાદ જૂલાઈ મહિનાથી વડાપ્રધાન તરીકે જારી જ હતા પણ પાંચ મહિનામાં જ તેમણે બ્રિટનના નાગરિકોનું દિલ જીત્યુ હતું અને બ્રેકઝિટ માટેનો મક્કમ વિશ્વાસ બતાવ્યો હતો.
તેમની સરકાર ડેમોક્રેટિક યુનિયન પાર્ટીના ટેકાથી ચાલતી રહી હતી. ૧૯૩૫ પછી લેબર પાર્ટીનો બ્રિટનની ચૂંટણીઓમાં આ સૌથી નબળો દેખાવ છે. ૧૯૮૭માં માર્ગારેટ થેચર પછીનો કોઇ નેતાનો આ હદે બહુમતિથી વિજય થયો છે. સત્તા પ્રાપ્ત કરવા ૩૧૬ બેઠકો જીતવી પક્ષ માટે જરૂરી હોય છે.

ટ્રમ્પ ઉત્તર કોરિયામાં પગ મૂકનાર પ્રથમ અમેરિકી પ્રમુખ
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે જૂન મહિનામાં તેમના કટ્ટર દુશ્મન દેશ નોર્થ કોરિયા જોડે સંબંધો સુધારવાની પ્રક્રિયાના ભાગરૂપે નોર્થ કોરિયાની ધરતી પર પગ મૂક્યો હતો અને જે લશ્કરી સરહદનો વિસ્તાર ન હોય તેવી જગ્યાએ નોર્થ કોરિયાના સુપ્રીમો કિમ જોંગ ઉન જોડે મંત્રણા કરી હતી. આ રીતે નોર્થ કોરિયા જનાર ટ્રમ્પ પ્રથમ અમેરિકી પ્રમુખ બન્યા હતા. ટ્રમ્પે નોર્થ કોરિયાને પરમાણું શસ્ત્રોના ઉત્પાદનથી દૂર રહેવા સમજાવ્યા હતા.

પર્યાવરણની ચિંતાનો ડોળ કરતા વિશ્વનેતાઓ અને ગ્રેટા થનબર્ગ 'ટાઇમ પર્સન ઓફ ધ યર'
પર્યાવરણની કથળતી જતી વૈશ્વિક સ્થિતિ અને ભાવિ માનવજીવન અતિ ચિંતાજનક મુકામ પર પહોંચશે તેવી ચર્ચાઓ યુનાઇટેડ નેશન્સથી માંડી ક્લાયમેટ પરિષદમાં યોજાતી રહી. વિશ્વના ટોચના દેશોએ એકબીજા માટે પર્યાવરણની સમતુલા ખોરવવાના આરોપો મૂક્યા. આ બધા વચ્ચે ટ્રમ્પ સહિતના નેતાઓનો ઉધડો લેતું ભાષણ ૧૬ વર્ષની સ્વિડનની છોકરી ગ્રેટા થનબર્ગે કર્યું.
થનબર્ગે વિશ્વભરના શાળાના વિદ્યાર્થીઓને પર્યાવરણની જાળવણી માટે તેમના વડીલોને પડકારવા એક દિવસની પ્રતીક હડતાળની ફોર્મ્યુલા જાહેર કરી જેણે ખૂબ આવકાર મેળવ્યો. તેણે જુદા જુદા દેશોમાં ભાષણો અન દેખાવો કરવા જળ માર્ગે પણ પ્રવાસ ખેડયો. પર્યાવરણ ક્ષેત્રે જે પણ પરિણામ આવ્યું પણ વિશ્વમાં જાગૃતિ લાવવાનું કાર્ય ગ્રેટા થનબર્ગે કર્યું. તેની વય જોતાં તેને વિશેષ દાદ આપવી જ પડે. 'ટાઇમ' મેગેઝિને તેને વર્ષ ૨૦૧૯ની વિશિષ્ટ વ્યક્તિ જાહેર કરી.

લાદેન પછી અમેરિકાનો બીજો મોટો શિકાર: ISIS નો વડો અબુ બકર બગદાદી મરાયો
ISIS (ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરીયા)નો તેમના જ આતંકી સંગઠન દ્વારા જાહેર થયેલો ધાર્મિક વડો અને સત્તાધીશ અબુ બકર બગદાદી યુનાઈટેડ નેશન્સ, યુરોપિયન યુનિયન અને અમેરિકા દ્વારા મોસ્ટ વોન્ટેડ જાહેર થયો હતો. તેના આઈએસઆઈએસને માન્યતા નહીં જ મળે તેવા ઠરાવ પણ પસાર થઈ ગયા હતા. ઈરાકમાં યઝીદી સમુદાયની કત્લેઆમ કરી. ઈરાક ઉપરાંત તેણે સીરીયામાં પણ કબ્જો જમાવવા નરસંહાર કર્યો.
ગોરા ખ્રિસ્તીઓને પણ મોતને ઘાટ ઉતારવા તે તેના ગળા કાપીને વિશ્વ સમક્ષ વીડિયો મુકતો હતો. ગોરા દેશના મીડિયા, યુનો કે હયુમન રાઈટ્સ માટે કાર્યરત કર્મીઓની હત્યા કરી હતી. મહિલાઓનું સેક્સ માટે અપહરણ કરી તેને ગુલામ તરીકે રાખવાની તેના રાજમાં પ્રથા હતી. તેવી જ રીતે તે ફરજીયાત ધર્મ પરિવર્તન કરાવતો હતો.
અમેરિકા માટે તે આતંકવાદી હુમલાના સંદર્ભમાં બિન લાદેન પછીનો સૌથી ભયજનક વ્યક્તિ હતો. ૫૦૦૦થી વધુની હત્યા અને ઉપરોક્ત ગુનાઓ કરનાર બગદાદીનો ૨૭ ઓક્ટોબરે આખરી અંજામ આવ્યો. અમેરિકાના કમાન્ડોની ડેલ્ટા ફોર્સે સીરીયાના ઈદીબમાં તેનું લોકેશન શોધી કાઢી તેને ઘેરી લીધો હતો. તે નિશ્ચિત રીતે ઠાર થઈ જશે તેમ તેણે પામી લેતાં આત્મઘાતી બોંબ બેલ્ટ દબાવીને જાતે જ મૃત્યુ પામ્યો. હવે આઈએસઆઈએસ ઢીલું પડયું છે.

હોંગકોંગમાં પણ નાગરિકોનું સરકાર સામે હિંસક પ્રદર્શન
હોંગકોંગની વર્તમાન સરકાર ચીનના પ્યાદા જેવી છે તે પૂરવાર થઇ ગયું છે. તેઓ એવા નાગરિક બીલ અને ગુનેગારોના પ્રત્યાર્પણ બીલ મંજૂર કરવા માંગે છે કે ચીનનું હોંગકોંગ પર નિયંત્રણ આવી જાય. હોંગકોંગમાં ચીન સામે વિરોધ કરનાર કોઇને પણ તેનો ગુનેગાર ગણાવી તેના દેશમાં સજા માટે કે કાનુની કાર્યવાહી માટે લઇ જઈ શકે.
હોંગકોંગના નાગરિકોના હક્ક પર તરાપ મારતી અન્ય કલમો પણ બીલમાં સામેલ હતી, દેશભરમાં પ્રચંડ વિરોધ અને સરકારી પોલીસ જોડે સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો. હાલ વૈશ્વિક હોબાળો મચતા આ બીલ પસાર કરતા અટકયું છે. જો કે ચીન પડદા પાછળ રહી તેને અમલમાં મુકાવશે જ. હોંગકંગમાં દેખાવકારો પાસે વળતો હૂમલો કરી પોલીસને જવાબ આપવા કોઇ હાથવગુ સાધન-શસ્ત્ર નહીં હોઇ તેઓએ તીરકામઠાંનો ઉપયોગ કર્યો હતો.

ફ્રાન્સમાં પેન્શન સુધારા બિલના વિરોધમાં વિરાટ રેલી
ફ્રાંસમાં પ્રમુખ મેકોર્ની સરકારે પેન્શન સુધારા બિલ પસાર કર્યું છે જેનો દેશભરના જાહેર સાહસના કર્મચારીઓએ વિરોદ કરી જાહેર માર્ગો પર દેખાવો યોજ્યા હતા. હજુ આ આંદોલન જારી જ છે. બસ, ઇલેક્ટ્રીસીટી, રેલ્વે, ગેસ સ્ટેશનના કર્મચારીઓએ પણ સાથ આપ્યો છે. પેરિસ, લીઝ જેવા શહેરોના ચોકમાં ૭ લાખની મેદની દેખાવ કરતી જોવા મળે છે અને હજારોની ધરપકડ થઈ છે. ફ્રાંસમાં દાયકાઓથી ૪૦ જેટલી જુદી જુદી પેન્શન યોજના પ્રવર્તે છે. જેને એક જ યુનિફોર્મ યોજનામાં સરકાર ફેરવવા માંગે છે જેનો પ્રચંડ રોષ જોઈ શકાય છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZnHtlK
via Latest Gujarati News
0 Comments