અમેરિકન એમ્બેસેડર સહિત 15 દેશના પ્રતિનિધિઓ કાશ્મીરની મુલાકાતે, આર્મી-નાગરિકોને મળ્યાં


આ કેન્દ્ર સરકારની પ્રચારયાત્રા છે : નેશનલ કોન્ફરન્સ

નવી દિલ્હી/શ્રીનગર, તા. 9 જાન્યુઆરી, 2020, ગુરૂવાર

સરકારે આજે વિવિધ 15 દેશના પ્રતિનિધિ મંડળને કાશ્મીરનો પ્રવાસ કરાવ્યો હતો. બે દિવસના પ્રવાસ માટે ભારત સ્થિત અમેરિકાના એમ્બેસેડર કેનેથ જેસ્ચર સહિત વિવિધ દેશોના પ્રતિનિધિઓ આ 15 સભ્યોની ટીમમાં શામેલ છે.

દિલ્હીથી ચાર્ટડ વિમાન દ્વારા તેઓ કાશ્મીર પહોંચ્યા હતા અને ત્યાં તેમની સૌથી પહેલી મુલાકાત ઈન્ડિયન આર્મી સાથે થઈ હતી.  કાશ્મીરના શાસનમાં સરકાર જેટલો જ મહત્ત્વનો રોલ આર્મીનો હોવાથી આર્મી દ્વારા મંડળને કાશ્મીરની સ્થિતિ અંગે જાણકારી આપવામાં આવી હતી. આ ટીમનો હિસ્સો બનવાની યુરોપિયન સંઘના સભ્યોએ ના પાડી દીધી હતી.

યુરોપિયન યુનિયનના પ્રતિનિધિઓએ કહ્યું હતું કે આ સરકારી પ્રવાસ છે, માટે અમે જોડાવા માંગતા નથી. આડકતરી રીતે યુરોપિયન સંઘના સભ્યોએ એમ કહ્યું હતું કે સરકારી પ્રવાસ હોવાથી સરકાર વાસ્તવિક સ્થિતિ નહીં દર્શાવે જે સારૂં સારૂં હશે એ જ દર્શાવશે.

આ પહેલો ઓક્ટોબરમાં યુરોપિયન સંઘના સભ્યો માટે કાશ્મીર પ્રવાસ આયોજિત કરાયો હતો. ત્યારે એ પ્રવાસ અને તેનું આયોજન કરાનારા એનજીઓ બન્નેની ટીકા થઈ હતી. આ વખતે વિવાદ ન થાય એ હેતુથી યુરોપિયન યુનિયને પહેલેથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું. કાશ્મીર પ્રવાસે પહોંચેલા મંડળ સાથે વિદેશ મંત્રાલયના સેક્રેટરી વિકાસ સ્વરૂપ પણ જોડાયા છે.

જ્યારે શ્રીનગરમાં તેમનું સ્વાગત લેફ્ટનન્ટ જનરલ કે.જે.એસ.ધિલ્લોન દ્વારા કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમને પાકિસ્તાન દ્વારા કઈ રીતે કાશ્મીરમાં રોજિંદા ધોરણે અડચણ ઉભી કરવામાં આવે છે, તેનો ખ્યાલ આપવામાં આવ્યો હતો. આ મંડળ બાદમાં સામાન્ય નાગરિકોને મળ્યું હતું અને હજુ વધુ મુલાકાતોનું પણ આયોજનન છે. 

કોંગ્રેસે આ મુદ્દે વિરોધ નોંધાવતા કહ્યું હતુ કે સરકારના બેવડા ધોરણો છે. સરકાર ભારતના રાજનેતાઓને કાશ્મીરમાં જવા દેતી નથી અને કાશ્મીરના આગેવાનો સાથે મળવા દેતી નથી. પરંતુ પરદેશીઓને બોલાવીને પોતાની વાહવાહી થાય એવા પ્રયાસો કરે છે. 

કોંગ્રેસના જયરામ રમેશે પ્રેસ કોન્ફરન્સ કરીને આ પ્રવાસનો વિરોધ નોંધાવ્યો હતો. રમેશે કહ્યું હતુ કે પરદેશી મંડળ કાશ્મીરની મુલાકાત લે તેની સામે વાંધો નથી, પરંતુ મુલાકાતનો ઉદ્દેશ સરકારે સ્પષ્ટ કરવો જોઈએ. જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષ નેશનલ કોન્ફરન્સે પણ યાત્રા સામે વાંધો ઉઠાવ્યો હતો. કોન્ફરન્સે કહ્યું હતુ કે આ તો સરકારનો પ્રચાર થાય એ માટેની યાત્રા છે.

સરકાર આ પ્રવાસ દ્વારા ધરાર એવુ ઠસાવવા માગે છે કે કાશ્મીરમાં કલમ 370 હટાવી લીધા પછી સ્થિતિ સામાન્ય છે. હકીકતમાં કોઈ સ્થિતિ સામાન્ય નથી. વિદેશ મંત્રાલયે આવી બધી ટીકાનો બચાવ કરતાં કહ્યું હતુ કે સરકારે કાશ્મીરમાં પ્રજાહિત માટે શું શું કર્યું એ દર્શાવવા માટે જ પ્રવાસ યોજાયો છે, બીજો કોઈ હેતુ નથી.

પ્રતિનિધિ મંડળે અહીંના રાજનેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી. કાશ્મીરના પૂર્વ મંત્રી અલ્તાફ બુખારી સહિતના આઠ સ્થાનિક રાજનેતાઓ તેમને મળ્યા હતા. એ ઉપરાંત સ્થાનિક ખેલાડીઓ, વેપારી, પત્રકારો વગેરે સાથે પણ મંડળની મુલાકાત ગોઠવાઈ હતી.

 દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે સ્પષ્ટતા કરી હતી કે અત્યારે યુરોપના મિત્રો જોડાવા માંગતા નથી, માટે ભવિષ્યમાં તેમના માટે ટુર આયોજિત કરાશે. 

કયા કયા દેશો સામેલ છે

અમેરિકા, બાંગ્લાદેશ, વિએટનામ, માલદિવ્સ, દક્ષિણ કોરિયા, મોરક્કો, નાઈજિરિયા, નાઈઝર, ગયાના, આર્જેન્ટિના, ફિલિપાઈન્સ, નોર્વે, ફિજી,  ટોગો અને પેરૂના સભ્યોનો સમાવેશ આજની ટીમમાં થયો હતો. આ ઉપરાંત બ્રાઝિલ અને ઉઝબેકિસ્તાનના સભ્યો પણ પ્રવાસમાં શામેલ થવાનુ નક્કી થયું હતું. પરંતુ છેલ્લી ઘડીએ એ બન્ને દેશના સભ્યો જોડાયા ન હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TaUluq
via Latest Gujarati News

Post a Comment

0 Comments