દિલ્હી અને યુપીમાં હુમલાની તૈયારી કરી રહેલા ISના ત્રણ આતંકવાદીઓની ધરપકડ


નવી દિલ્હી, તા. 9 જાન્યુઆરી, 2020, ગુરૂવાર

દિલ્હી, એનસીઆર અને ઉત્તર પ્રદેશમાં આતંકવાદી હુમલો કરવાનું ષડયંત્ર રચી રહેલા ત્રણ આઈએસના આતંકવાદીઓને દિલ્હી પોલીસે પકડી પાડયા હતા. આતંકવાદી કૃત્યને અંજામ આપીને આ ત્રણેય આતંકવાદીઓ પાકિસ્તાન ભાગી જવાની ફિરાકમાં હતા. ગણતંત્ર દિવસ પહેલાં પાટનગરમાં આતંકવાદી પ્રવૃત્તિને દિલ્હી પોલીસે પર્દાફાશ કર્યો છે.

 દિલ્હીના વઝીરાબાદમાંથી ઝડપાયેલા ત્રણ આતંકવાદીઓ : ખાજા મોઈન, અબ્દુલ સમીદ અને સૈયદ અલી નવાઝ પાટનગર દિલ્હી, એનસીઆર અને ઉત્તર પ્રદેશમાં આતંકવાદી હુમલો કરવાના હતા. પૂછપરછમાં આ આતંકવાદીઓએ કબૂલ્યું હતું કે તે 2014માં સુરેશ કુમાર નામના એક નેતાની હત્યા  પણ સામેલ હતા. એ પછી ત્રણેય પાકિસ્તાન ભાગી જવાની તૈયારી કરી રહ્યા હતા.

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આ ત્રણેયની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે આ ત્રણેય આઈએસ માટે કાર્યરત હતા. ત્રણ ઉપરાંત અન્ય ત્રણ પણ આ ષડયંત્રમાં સંડોવાયેલા હોવાની શક્યતા હોવાથી પોલીસે વધારે પૂછપરછ શરૂ કરી છે. નાસતા ફરતા ત્રણ આરોપીઓ નેપાળમાં હોવાનું પકડાયેલા આતંકવાદીઓએ કહ્યું હતું.

ત્રણેય આતંકવાદીઓ તમિલનાડુના છે. ત્રણેય ફરાર હતા અને નેપાળમાં થઈને યુપીના રસ્તે દિલ્હીમાં આવ્યા હતા.  દિલ્હીમાં આતંકવાદી હુમલો કરીને પાકિસ્તાનમાં ભાગવાનું ષડયંત્ર હતું. 2014માં તમિલનાડુના એક નેતાની હત્યા બદલ કુલ છ આરોપીઓ ફરાર હતા.

પોલીસના જણાવ્યા પ્રમાણે ત્રણેયને એક ઓનલાઈન પ્લેટફોર્મની મદદથી ઈનપુટ્સ મળતા હતા. નેપાળમાં છુપાયેલા આતંકવાદીઓ ગણતંત્ર દિવસ પહેલાં દિલ્હી આવીને હુમલો કરે તેવી દહેશત હોવાથી નેપાળની સરહદે સુરક્ષાદળોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37SpVB3
via Latest Gujarati News

Post a Comment

0 Comments