નવી દિલ્હી, તા. 2 જાન્યુઆરી 2020, ગુરૂવાર
આ વરસે 26મી જાન્યુઆરીએ પાટનગર નવી દિલ્હીમાં યોજાનારી પ્રજાસત્તાક દિન પરેડમાં પશ્ચિમ બંગાળનો ટેબ્લો જોવા નહીં મળે એવી જાણકારી મળી હતી.
જો કે ગયા વરસે 2019માં પશ્ચિમ બંગાળનો ટેબ્લો જોવા મળ્યો હતો. પ્રજાસત્તાક દિનની પરેડમાં લગભગ બધાં રાજ્યો પોતપોતાની સંસ્કૃતિ અને રીતરિવાજોને તાદ્રશ કરતા ટેબ્લો મોકલે છે.
છેલ્લા થોડા સમયથી કેન્દ્ર અને પશ્ચિમ બંગાળ વચ્ચે એક કરતાં વધુ મુદ્દે ગજગ્રાહ ચાલી રહ્યો હતો. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં પોતાના હાથમાંથી સત્તા સરકી ન જાય એ માટે સતત કેન્દ્ર સામે શીંગડાં ભરાવી રહ્યાં છે.
લગભગ દરેક મુદ્દે મમતા બેનરજી આક્રમક વલણ અપનાવી રહ્યાં છે અને મોદી સરકારની આકરી ટીકા કરતા રહ્યાં છે.
કેન્દ્રના સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ કહ્યું હતું કે પશ્ચિમ બંગાળના પ્રસ્તાવને નિષ્ણાતોની સમિતિએ બે બેઠકોમાં ચર્ચા કર્યા બાદ નકારી કાઢ્યો હતો. એટલે આ વરસે પ્રજાસત્તાક દિનમાં પશ્ચિમ બંગાળની હાજરી નહીં હોય.
આ પ્રવક્તાએ એવી માહિતી આપી હતી કે આ વરસે વિવિધ રાજ્યોમાંથી 56 ટેબ્લોના પ્રસ્તાવો આવ્યા હતા જેમાંથી 22 ટેબ્લો પસંદ કરાયા હતા. એમાંના 16 ટેબ્લો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના છે અને છ કેન્દ્રીય વિભાગોના છે.
રાજકીય પંડિતો માને છે કે મમતા આ મુદ્દાને પણ પોતાના રાજ્ય પ્રત્યે કેન્દ્રના પક્ષપાતનો મુદ્દો બનાવીને હો હા કરશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36gU4JL
via Latest Gujarati News
0 Comments