રોજની 300 રૂ. દાડી મેળવનારા મજૂરને રૂ. 1.05 કરોડ ટેક્સ ચુકવવા નોટિસ


(પીટીઆઈ) મુંબઈ, તા. 16 જાન્યુઆરી, 2020, ગુરૂવાર

આવકવેરા વિભાગે થાણેની અંબીવાલી ઝૂંપડપટ્ટીમાં રહેતા એક દાડિયાને 1.05 કરોડ રૂપિયાનો આવકવેરો ચુકવવા માટે નોટિસ મોકલી છે. નોટબંધી સમયે બેંક ખાતામાં 58 લાખ રૂપિયા જમા કરાવવાને લઈ મજૂરને આ નોટિસ મોકલવામાં આવી છે. 

નવાઈની વાત એ છે કે, આ મજૂરની દૈનિક કમાણી 300 રૂપિયા છે. ભાઉસાહેબ નામના આ મજૂરને ત્રણ બાળકો છે અને તેઓ ઓછી આવકના લીધે ત્રીજા નંબરના સંતાનને શાળાએ નથી મોકલી શકતા. આ સંજોગોમાં આવકવેરા વિભાગની નોટિસ મળવાથી મજૂર ખૂબ જ ચિંતાગ્રસ્ત થઈ ગયો છે.

ભાઉસાહેબ અહિરે નામના મજૂરે આ મામલે પોલીસનો સંપર્ક કરીને નોટિસમાં દર્શાવવામાં આવેલા બેંક ખાતા અંગે પોતાને કોઈ જાણકારી ન હોવાનો દાવો કર્યો છે. ભાઉસાહેબના કહેવા પ્રમાણે તેમના દસ્તાવેજો ખોવાઈ ગયા હતા અને કોઈએ તેના આધારે નકલી એકાઉન્ટ ખોલાવ્યું હોય તે સંભવ છે. 

નોટિસ મેળવનાર મજૂર 100 વર્ગ ફૂટની ઝૂંપડીમાં રહે છે અને તે ઝૂંપડી કાયદેસર રીતે તેમના પિતાની માલિકીની છે. સૌ પ્રથમ સપ્ટેમ્બર 2019માં તેમને પ્રથમ નોટિસ મળી હતી.

જેમાં 2016માં નોટબંધી વખતે ખાનગી બેંકના ખાતામાં જમા કરાવવામાં આવેલી રકમ અંગે સવાલ કરાયા હતા. તે સમયે મજૂરે બેંક અને આવકવેરા વિભાગનો સંપર્ક કર્યો હતો. તપાસ દરમિયાન ભાઉસાહેબના પાન એકાઉન્ટ નંબરની મદદથી ખાતુ ખોલાવવામાં આવ્યું હોવાની પરંતુ ફોટો અને હસ્તાક્ષર અલગ હોવાની જાણ થઈ હતી. 

ત્યાર બાદ સાતમી જાન્યુઆરી, 2020ના રોજ ભાઉસાહેબને ફરી 1.05 કરોડ રૂપિયાનો ટેક્સ ચુકવવા માટે નોટિસ મળી હતી જેથી તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમણે પોલીસને દરરોજ જે કમાય છે તેમાંથી પરિવારનું ભરણપોષણ મહામુશ્કેલીએ થઈ શકે છે તેમ જણાવ્યું હતું ત્યારે પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી દીધી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/362odvD
via Latest Gujarati News

Post a Comment

0 Comments