જમ્મુ-કાશ્મીર સરહદના ગામો અને ચોકીઓ પર પાક.નો બેફામ ગોળીબાર


જમ્મુ, તા. 18 જાન્યુઆરી, 2020, શનિવાર

પાકિસ્તાને શનિવારે યુદ્ધ વિરામનો ભંગ કરી જમ્મુ અને કાશ્મીરના પૂંચ અને રાજૌરી જિલ્લામાં અંકુશ રેખા પર ગામો અને ફોરવર્ડ પોસ્ટને નિશાન બનાવતાં ગોળીબાર કર્યો હતો. જોકે, આ ગોળીબારમાં કોઈ જાનહાની થઈ નહોતી.

ભારતીય દળોએ પાકિસ્તાનને વળતો જોરદાર જવાબ આપ્યો હતો. દરમિયાન કાશ્મીરમાં અંકુશ રેખા પર ફરજ બજાવતો અને ઉત્તરાખંડનો નિવાસી આર્મીનો એક જવાન 10 દિવસથી લાપતા છે. 

પાકિસ્તાને શનિવારે યુદ્ધવિરામનો ભંગ કરી પૂંચ અને રાજૌરી જિલ્લાઓમાં અંકુશ રેખા પર ઉશ્કેરણીજનક રીતે અંધાધૂંધ ગોળીબાર અને મોર્ટાર મારો કર્યો હતો. જોકે, આ હુમલામાં કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી તેમ સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું કે સરહદ પારથી રાજૌરીના નૌશેરા સેક્ટરમાં પૂંચ અને લામના મેન્ધર સેક્ટરમાં સરહદ પારથી ગોળીબાર અને મોર્ટાર મારો શરૂ કર્યો હતો. ભારતીય સલામતી દળોએ તેમને જોરદાર વળતો જવાબ આપ્યો હતો.

બીજીબાજુ કાશ્મીરમાં ફરજ બજાવતો આર્મીનો એક જવાન રાજેન્દ્ર સિંહ 8મી જાન્યુઆરીથી લાપતા છે. તેને શોધવાની કાર્યવાહી ચાલુ છે. માનવામાં આવે છે કે 8મી જાન્યુઆરીએ હિમવર્ષાના કારણે રાજેન્દ્ર સિંહ લપસીને પાકિસ્તાનની સરહદમાં જતા રહ્યા હશે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે શનિવારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની મુલાકાત લીધી હતી અને તેમને લાપતા આર્મી જવાન રાજેન્દ્ર સિંહના સલામત પુનરાગમન માટે પ્રયાસો ઝડપી બનાવવા વિનંતી કરી હતી.

દરમિયાન જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં ફરજ પર એક સિપાહી પ્રિન્સ કુમાર (25)એ પોતાને જ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. જવાનની આત્મહત્યાનું કારણ તુરંત જાણી શકાયું નથી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FZtfP1
via Latest Gujarati News

Post a Comment

0 Comments