સાઈબાબાના જન્મસ્થળના વિવાદના કારણે આજે શિરડી બંધનું એલાન


મુંબઇ, તા. 18 જાન્યુઆરી, 2020, શનિવાર

સાઈબાબાના જન્મ સ્થળને લઈને શરૂ થયેલા વિવાદને લીધે આજે રવિવારે શિરડી બંધની હાકલ કરવામાં આવી છે. આ પાર્શ્વભૂમિમાં આ વિસ્તારના લોક પ્રતિનિધિને આ વિસ્તારના લોકપ્રતિનિધિને નાતે રાધાકૃષ્ણ વિખે- પાટીલે એક પત્રકાર પરિષદ લઈને પોતાની ભૂમિકા સ્પષ્ટ કરી હતી.

પરભણી જિલ્લાના પાથરીને સાઈબાબાનું જન્મસ્થાન ઘોષિત કરવાની માગણી કરવામાં આવી રહી છે તેથી આ વિવાદ શરૂ થયો છે. વિખે પાટીલે જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેને દિશાભૂલ કરતી માહિતી આપવામાં આવી છે.

બાબાના જન્મ વિષે પાથરીનો કોઈ પુરાવો નથી. બ્રિટીશ કાળમાં પણ આ મુદ્દે વિવાદ થયો હતો પણ તે બાબતના કોઈ પુરાવા મળ્યા નથી. કરોડો સાઈ ભક્તોનું દિલ દુભાયું છે તેની સરકારે નોંધ લેવી જોઈએ. સાઈ સંસ્થાને પગલાઓ ઉપાડી આ ગેરસમજણ દૂર કરવી જોઈએ તેવું પણ વિખે પાટીલે જણાવ્યું હતું. 

પાટીલે વધુમાં જણાવ્યું હતું કે આ ભાગના લોક પ્રતિનિધિ તરીકે શિરડી બંધને મારો ટેકો છે. શિરડી બંધ રહેવાનું હશે તો પણ સાઈ મંદિર અને ભક્ત નિવાસ ખુલ્લું રહેશે. 25 જેટલા ગામો બેમુદત બંધમાં સહેભાગી થઈ રહ્યા છે.

હોટલમાં બુકીંગ કર્યું છે તેવા નાગરિકો અને વિમાન દ્વારા આવતા લોકોને કોઈ પણ તકલીફ થશે નહીં, ફક્ત બજાર બંધ રહેશે. અત્યાવશ્યક સેવાઓને આ બંધમાંથી દૂર રાખવામાં આવેલ છે.

થોડા સમય પહેલાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ ઔરંગાબાદની મુલાકાત દરમ્યાન પત્રકારો સાથે બોલતા સાઈબાબાના જન્મ સ્થળ તરીકે પાથરીનો ઉલ્લેખ કર્યો હતો.

તેમજ પાથરીનો વિકાસ તીર્થક્ષેત્ર તરીકે કરી તેનો ડેવલપમેન્ટ પ્લાન પાસ થઈ ગયો હોઈ ટૂંકમાં ભૂમિપૂજન કરવામાં આવશે તેવું જણાવી 100 કરોડ ફાળવવાની ઘોષણા કરી હતી. મુખ્યપ્રધાનની આ ઘોષણા બાદ શિરડી સહિત દેશ- વિદેશના સાઈ ભક્તોમાં નારાજી વ્યાપી ગઈ હતી.

શિરડીવાસીઓનું કહેવું છે કે પાથરી ગામનો વિકાસ થાય તેની સામે અમારો કોઈ વિરોધ નથી પણ પાથરી ગામનો ઉલ્લેખ સાઈબાબાના જન્મસ્થળ તરીકે કરવા સામે અમારો વિરોધ છે. મુખ્યપ્રધાન ઠાકરે પોતે સાઈબાબાના ભક્ત છે. તેમણે શિરડીવાસીઓની ભાવના જાણી લેવી જોઈએ.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/368akMz
via Latest Gujarati News

Post a Comment

0 Comments