કેરળવાસીઓએ રાહુલને સંસદમાં મોકલી વિનાશક કામ કર્યું છે : રામચંદ્ર ગુહા


કોંગ્રેસ 'મહાન પક્ષ'માંથી 'દયનીય પારિવારિક કંપની' બનવાના કારણે દેશમાં હિન્દુત્વ અને અંધરાષ્ટ્રભક્તિ વધ્યા રાહુલે રાજકારણમાંથી નિવૃત્ત થઈ જવું જોઈએ, આગામી 15-20 વર્ષ દેશમાં ભાજપનું જ પ્રભુત્વ રહેશે : ઈતિહાસકાર ગુહા

કોઝીકોડ, તા. 18 જાન્યુઆરી, 2020, શનિવાર

પ્રખ્યાત ડાબેરી ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ કેરળમાં એક કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ઝાટકણી કાઢી હતી. તેમણે કેરળવાસીઓને સવાલ કર્યો હતો કે તમે રાહુલ ગાંધીને સંસદમાં કેમ મોકલ્યા? તેમને સંસદમાં મોકલવાથી નરેન્દ્ર મોદીને જ લાભ થયો છે.

કેરળના લોકોએ રાહુલ ગાંધીને સંસદમાં મોકલીને વિનાશક કામ કર્યું છે.  કોઝીકોડેમાં આયોજિત કેરળ લિટરેચર ફેસ્ટિવલમાં રામચંદ્ર ગુહાએ કહ્યું કે, 'પાંચમી પેઢીના વંશજ'ના રાહુલ ગાંધીનો ભારતીય રાજકારણમાં 'કઠોર પરિશ્રમ અને આપબળે સિદ્ધિઓ મેળવનારા' નરેન્દ્ર મોદી સામે કોઈ મુકાબલો થઈ શકે તેમ નથી.

રામચંદ્ર ગુહાએ કહ્યું કે કોંગ્રેસ સ્વતંત્રતા સંગ્રામના સમયના 'મહાન પક્ષ'માંથી આજે 'દયનીય પારિવારિક કંપની' બનવાના કારણે ભારતમાં હિન્દુત્વ અને અંધરાષ્ટ્રભક્તિ વધ્યા છે.

કેરળના સાહિત્ય મહોત્સવના બીજા દિવસે 'રાષ્ટ્ર ભક્તિ વિરૂદ્ધ અંધરાષ્ટ્રીયતા' વિષય પર યોજાયેલા સત્રમાં ગુહાએ કહ્યું, 'હું અંગત રીતે રાહુલ ગાંધીનો વિરોધી નથી. તે સૌમ્ય અને સુસભ્ય વ્યક્તિ છે, પરંતુ યુવાન ભારતીયો એક જ પરિવારની પાંચમી પેઢીને ઈચ્છતા નથી. તમે કેરળવાસીઓ 2024માં ફરીથી રાહુલ ગાંધીને ચૂંટવાની ભૂલ કરશો તો કદાચ નરેન્દ્ર મોદીને જ તેનો લાભ થશે.'

સત્રમાં હાજર કેરળવાસીઓને સંબોધન કરતાં તેમણે કહ્યું કે કેરળે ભારત માટે અનેક ઉત્કૃષ્ટ કામ કર્યા છે, પરંતુ તમે સંસદ માટે રાહુલ ગાંધીને પસંદ કરીને વિનાશક કામ કર્યું છે. રાહુલ ગાંધીને 2019ની લોકસભા ચૂંટણીમાં ગાંધી પરિવારના ગઢ ઉત્તર પ્રદેશના અમેઠીમાં પરાજયનો સામનો કરવો પડયો જ્યારે કેરળના વાયનાડથી તેઓ જીતી ગયા હતા.

તેમણે ઉમેર્યું હતું કે રાહુલ ગાંધીએ રાજકારણમાંથી નિવૃત્ત થઈ જવું જોઈએ અને લગ્ન કરીને પરિવાર વસાવી લેવો જોઈએ. તેમના માટે તે જ સારૂં છે અને કદાચ દેશ માટે પણ તે સારૂં છે. દેશમાં આગામી 15-20 વર્ષ ભાજપનું જ પ્રભુત્વ રહેશે. તેથી રાહુલ ગાંધી માટે કોઈ તક નથી.

ડાબેરી ઈતિહાસકાર ગુહાએ વડાપ્રધાન મોદીની પરોક્ષ રીતે પ્રશંસા કરતાં કહ્યું કે, 'નરેન્દ્ર મોદીને સૌથી મોટો ફાયદો એ છે કે તે રાહુલ ગાંધી નથી. તેઓ આપબળે જ વડાપ્રધાનપદ સુધી પહોંચ્યા છે. તેમણે 15 વર્ષ સુધી એક રાજ્યમાં શાસન કર્યું છે અને તેઓ વહીવટી અનુભવ ધરાવે છે. તે ઉલ્લેખનીયરૂપે સખત પરિશ્રમ કરે છે અને ક્યારેય યુરોપ જવા માટે રજાઓ નથી લેતા. મને વિશ્વાસ છે કે હું આ બધું ગંભીરતાથી કહી રહ્યો છું.' 

તેમણે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી પર પણ નિશાન સાધ્યું અને તેમની સરખામણી 'મુઘલ વંશના અંતિમ સમય' સાથે કરી હતી. તેમણે કહ્યું કે ભારત લોકતાંત્રીક વધુ અને સામંતી દેશ ઓછો છે. સોનિયા ગાંધીને આ બાબત સમજમાં નથી આવતી. તમે દિલ્હીમાં છો, તમારૂં શાસન વધુ ને વધુ સંકોચાઈ રહ્યું છે પરંતુ તમારા ચમચાઓ હજી પણ તમને કહે છે કે તમે હજી બાદશાહ છો. 

કોંગ્રેસમાં વંશવાદની ટીકા કરતાં ગુહાએ કહ્યું કે આજે રાષ્ટ્રીય સ્તરે દરેક મુદ્દાઓ પર નહેરૂની ચર્ચા થઈ રહી છે. મોદી હંમેશા શા માટે કહે છે કે નહેરૂએ કાશ્મીરમાં આ કર્યું, ચીનમાં આ કર્યું, ટ્રીપલ તલાકમાં આ કર્યું. કારણ કે રાહુલ ગાંધી તેમની સામે છે. રાહુલ ગાંધી રાજકારણમાંથી અદૃશ્ય થઈ જાય તો મોદીએ તેમની પોતાની નીતિઓ અને શા માટે તેઓ નિષ્ફળ છે તે અંગે જનતાને જવાબ આપવો પડશે.

મારા નિવેદનને તોડી, મરોડી રજૂ કરાયું : ગુહા

નવી દિલ્હી, તા. 18

ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ કેરળમાં લિટરેચર ફેસ્ટિવલમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ટીકા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા તેમના નિવેદન મુદ્દે શનિવારે ફેરવી તોળતા દાવો કર્યો હતો કે તેમના ખૂબ જ લાંબા નિવેદનને તોડી, મરોડીને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. તેમના નિવેદન મુદ્દે વિવાદ વધતાં શનિવારે રામચંદ્ર ગુહાએ કહ્યું કે મારૂં વક્તવ્ય હિન્દુત્વની અંધરાષ્ટ્રભક્તિ વિરૂદ્ધ બંધારણીય રાષ્ટ્રવાદનું રક્ષણ કરવા અંગે હતું. રાહુલ ગાંધીને પાંચમી પેઢીના વંશજ ગણાવ્યા પછી મેં ઘણું બધું કહ્યું હતું. મેં કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અને વડાપ્રધાન વચ્ચેના તફાવત તેમજ મોદીના કેટલાક સારા ગુણો અંગે વાત કરી હતી. જોકે, તેમણે દાવો કર્યો કે તેમણે જ કહ્યું છે તે વાત પર તેઓ અડગ છે.

રાહુલ સીએએ પર 10 લાઈન બોલી બતાવે : નડ્ડા

નવી દિલ્હી, તા. 18

નાગરિકતા સુધારા કાયદા અંગે ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ અને રાહુલ ગાંધીની ઝાટકણી કાઢતા કહ્યું કે કોંગ્રેસ સીએએનો અકારણ વિરોધ કરી રહી છે. દેશને ગેરમાર્ગે દોરવા માટે નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કરાઈ રહ્યો છે. રાહુલ ગાંધીને નાગરિકતા કાયદા અંગે કશું જ ખબર નથી. તે આ કાયદા અંગે 10 લાઈન પણ બોલી શકે તેમ નથી, કારણ કે તેમણે નાગરિકતા સુધારા કાયદો વાંચ્યો જ નથી. તેમની પાસે કોઈ મુદ્દો નથી. તેથી તેઓ આ કાયદાનો માત્ર વિરોધ જ કરી રહ્યા છે. કોંગ્રેસમાં એવો કોઈ નેતા પણ બચ્યો નથી, જે રાહુલ ગાંધીને કાયદો સમજાવી શકે. આ દેશનું દુર્ભાગ્ય છે કે કોંગ્રેસ અને ડાબેરીઓ માટે વોટ પહેલા અને દેશ પછી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RBfs6K
via Latest Gujarati News

Post a Comment

0 Comments