આ ફંગસ પીડિત વ્યકિતનું મોત થાય તો પણ તે શરીરમાં જીવતી રહે છે


ન્યૂયોર્ક, ૨૦ જાન્યુઆરી, ૨૦૨૦, સોમવાર

વિશ્વમાં વિવિધ સ્થળે કેંડિડા ઑરિસ નામની એક જીવલેણ ફૂગ (ફંગસ) બ્લડસ્ટ્રીમમાં જઇને શરીરમાં ખતરનાક ઇન્ફેકશન પેદા કરે છે.  આમ તો આ રહસ્યમય ફૂગ પ્રથમવાર ૨૦૦૯માં એક જાપાનીઝ દર્દીના શરીરમાંથી મળી આવી હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી અનેક સ્થળે ફૂગ પીડિત દર્દીઓ જોવા મળે છે. ગત વર્ષ ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ પ્રકાશિત થયો હતો તેમાં જણાવાયું હતું કે માત્ર અમેરિકામાં જ આ પ્રકારના ૫૮૭ કેસ નોંધાયા હતા. 

એક વર્ષ પહેલા અમેરિકામાં માઉન્ટ સિનાઇ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીનું આ ફૂગના કારણે જ ૯૦ દિવસમાં મોત થયું હતું. ટેસ્ટમાં જાણવા મળ્યું કે મૃતકને સારવાર માટે જે રુમમાં રાખવામાં આવ્યો હતો એની દરેક ચીજ પર કેડિડા ઑરિસ જોવા મળી હતી. આથી હોસ્પિટલમાં રુમોની સફાઇ માટે ખાસ કલીનિંગ ઇકવિપમેન્ટ મંગાવવા પડયા હતા. આ ફંગસનો નાશ કરવા સીલિંગથી લઇને ફલોરની ટાઇલ્સ પણ ઉખાડવી પડી હતી.  સૌથી મહત્વની વાત એ છે કે એન્ટી ફંગલ દવાની આ ફૂગ પર કોઇ અસર થતી ન હોવાથી શરીરનું  ઇન્ફેકશન મટાડતી દવાઓ માટે પણ એક પડકાર છે. બેકટેરિયાની જેમ ફંગસ પણ આધૂનિક ચિકિત્સા પદ્ધતિની દવાઓ પર પ્રતિરોધ ક્ષમતા વિકસિત કરી રહી છે. 


નવાઇની વાત તો એ છે કે આ ફંગસ પીડિત વ્યકિતનું મોત થાય તો પણ તે શરીરમાં જીવતી રહે છે. તે સરળતાથી બીજાના શરીરમાં ઘૂસીને રોગગ્રસ્ત બનાવે છે. આ ફંગસના કારણે બ્રિટીશ મેડિકલ સેન્ટરે પોતાનું ઇન્ટેન્સિવ કેર યૂનિટ પણ બંધ કરવું પડયું હતું.  અમેરિકાના રોગ નિયંત્રણ અને સારવાર માટે કાર્યરત સંઘીય કેન્દ્રોએ આ ફૂગનો સમાવેશ માણસ માટે ખતરનાક ગણાતા જીવાણુંઓની યાદીમાં કર્યો છે. આ ફંગસ માણસમાં કેવી રીતે આવી છે તેના અંગે વૈજ્ઞાાનિકો આજ સુધી જાણી શકયા નથી. જેમની ઇમ્યૂન સિસ્ટમ નબળી હોય તેમને આ ફૂગ તરત જ અસર કરે છે. 



from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2THogdK
via Latest Gujarati News

Post a Comment

0 Comments