નવી દિલ્હી તા.27 જાન્યુઆરી 2020, સોમવાર
પીઢ કોંગ્રેસી નેતા દિગ્વિજય સિંઘે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે એનઆરસી બનાવવાની જરૂર નથી. ખરેખર તો બેકારોનું રજિસ્ટર બનાવવાની તાતી જરૂર છે.
સોમવારે સવારે મિડિયા સાથે વાત કરતાં દિગ્વિજય સિંઘે કહ્યું કે હકીકતમાં એનઆરસીની જરૂર નથી. આજે જરૂર છે રજિસ્ટર ઑફ એજ્યુકેટેડ અન-એમ્પ્લોઇડ ઇન્ડિયન સિટિઝન્સ- શિક્ષિત બેકારોના રજિસ્ટરની જરૂર છે.
તેમણે કેન્દ્ર સરકારની ટીકા કરતાં કહ્યું હતું કે 2014થી આજ સુધીમાં શિક્ષિત બેકારોની સંખ્યા અનેકગણી વધી ગઇ છે. અર્થતંત્ર ખાડે પડ્યું છે અને બેકારી તથા ભૂખમરો વધ્યાં છે. અત્યારે નાગરિકોના રજિસ્ટરની ઉતાવળ શી છે. અત્યારે શિક્ષિત બેકારોના રજિસ્ટરની તાતી જરૂર છે.
તેમણે કેન્દ્ર સરકારની નીતિ ભાગલાવાદી હોવાની અને ધર્મ આધારિત ટેન્શન સર્જવાની હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.
તેમણે કહ્યું, મારી પાસે વડા પ્રધાનને આપવા માટે એક સકારાત્મક વિચાર છે. દેશના ખૂણે ખૂણે અશાંતિ સર્જનારા નાગરિકોના રજિસ્ટરને બદલે શિક્ષિત બેકારોનું રજિસ્ટર બનાવો અને બેકારોને કામ આપો જેથી આપોઆપ શાંતિ સ્થપાશે અને લોકોને કામ મળતાં અર્થતંત્રને પણ વેગ મળશે.
છેલ્લા થોડા સમયથી કોંગ્રેસ મંદી, ખાડે જઇ રહેલા અર્થતંત્ર, બેકારી, ભૂખમરો અને અન્ય મુદ્દે સરકારની નિષ્ફળતા વિરોધી મુદ્દા સતત ઊઠાવી રહી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36zDJj3
via Latest Gujarati News
0 Comments