દિલ્હી: આજથી જે પી નડ્ડા જન જાગરણ ઝુંબેશનો આરંભ કરશે

નવી દિલ્હી તા.2 જાન્યુઆરી 2020, ગુરૂવાર

નાગરિકતા અંગેના નવા કાયદા (સીએએ)ના મુદ્દે દેશભરમાં ચાલી રહેલા આંદોલનને શમાવવાના ભાગ રૂપે ભાજપે લોકોને આ કાયદા વિશે વાકેફ કરવા વિચારેલી જન જાગરણ ઝુંબેશનો આરંભ આજથી પક્ષના કાર્યકારી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા શરૂ કરશે.

કેરળ વિધાનસભા તો આ કાયદાની વિરુદ્ધમાં પ્રસ્તાવ પણ પસાર કરી ચૂકી છે. બિનભાજપી અન્ય રાજ્યો પણ આ કાયદા વિરુદ્ધ કમર કસી રહ્યા છે. આ કાયદો ભારતીય નાગરિકોને લાગુ પડતો નથી એવી સમજ લોકોને આપવા ભાજપે જન જાગરણ ઝુંબેશ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.

આજે સાંજે છ વાગ્યે પાટનગર નવી દિલ્હીના સ્વામીનારાયણ મંદિરના કમ્પાઉન્ડમાં આ ઝુંબેશ માટે યોજાએલા કાર્યક્રમમાં નડ્ડા હાજર રહેશે. વીસ દિવસની આ ઝુંબેશમાં ભાજપ ઘરે ઘરે જઇને આ કાયદાની સમજ લોકોને આપવા ધારે છે. સાથોસાથ દેશભરમાં એક હજાર રેલીઓ યોજવાની અને અઢીસો પત્રકાર પરિષદ યોજવાની પણ ભાજપની યોજના છે. 

દરેક જિલ્લામાં રેલીઓ અને બુદ્ધિજીવી સભાઓ યોજવામાં આવશે. આ તમામ આયોજન પાછળ ગૃહ પ્રધાન અમિત શાહનું ભેજું કામ કરી રહ્યું છે. બુધવારે સાંજેજ અમિત શાહના કાર્યાલયમાં જે પી નડ્ડા, ભૂપેન્દ્ર યાદવ અને બી એલ સંતોષ સાથે અમિત શાહે ચર્ચા કરી હતી અને જન જાગરણ ઝુંબેશના વિવિધ કાર્યક્રમોની રૂપરેખા ઘડી કાઢી હતી. 

ભાજપના નેતાઓ ઉપરાંત વિવિક્ષ ક્ષેત્રના મહાનુભાવોને પણ આ કાર્યક્રમમાં સહભાગી કરવાની ભાજપની યોજના છે.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SJteX1
via Latest Gujarati News

Post a Comment

0 Comments