
નવી દિલ્હી, તા. 1 જાન્યુઆરી 2019, બુધવાર
ટેકનોલોજિની વધતી બોલબાલા વચ્ચે વર્ષ ૨૦૨૦માં સૌથી વધુ નોકરીઓ પણ ટેકનોલોજિ ક્ષેત્રમાં સર્જાશે. ઓનલાઈન નોકરી સર્ચ કરી આપતી સાઈટ લિન્કડઈને ભારતમાં ૨૦૨૦માં કેવી નોકરીઓ વધશે તેનો રિપોર્ટ તૈયાર કર્યો હતો. ઈમર્જિંગ જોબ્સ ઈન ૨૦૨૦ નામના રિપોર્ટ પ્રમાણે સૌથી વધુ જોબ્સ ઓટોમેશન સેક્ટરમાં હશે. ઓટોમેશન એ આધુનિક યુગનો શબ્દ છે. ઓટોમેટિક મશીનો દ્વારા થતી બધી કામગીરી ઓટોમેશન તરીકે ઓળખાય છે. ઓટોમેશનમાં મશીનોની કામગીરી વધુ હોય છે અને તેના પર મનુષ્યોનો કન્ટ્રોલ હોય છે. નોકરીની જે ક્ષેત્રોમાં જરૂર છે, એ બધા પ્રમાણમાં નવા છે અને આગામી સમયમાં તેનો દબદબો વધવાનો છે.
દેશમાં ડિજિટલ નાણાકીય વ્યવહારો વધી રહ્યા છે. માટે હવે ઓનલાઈન નાણાકિય હેરાફેરી કરી શકે એવા બ્લોકચેઈનના એક્સપર્ટની વધારે જરૂર પડવાની છે. દરેક કામગીરમાં મશીન-રોબોટ્સનો ઉપયોગ વધી રહ્યો છે. માટે ઓટોમેશન સેક્ટર પણ જોબ માટે હોટ ફેવરિટ રહેશે. નોકરીઓ માટે સામાન્ય રીતે જરૂરી હોય એવી સોફ્ટ સ્કીલ, ટીમ વર્ક, ટીમ મેનેજમેન્ટ, કસ્ટમર સેટિસફેક્શન.. વગેરે જેવા ગુણોની તો જરૂર પડશે જ.
ભારતની શિક્ષણ પ્રથા અંગ્રેજોએ શરૂ કરેલી ગુલામી આધારીત છે. માટે નવા નવા ક્ષેત્રોના શિક્ષણ બાબતે ભારત સરકાર બહુ પાછળ રહે છે. આખી દુનિયામાં શીખવવાની શરૂઆત થાય એવા અભ્યાસક્રમો આઉટડેટેડ થયા પછી ભારતમાં આવે છે. પરિણામે વિકસી રહેલા ક્ષેત્રોના અભ્યાસ માટે યુવાનોએ ઓનલાઈન લર્નિંગ અથવા તો પરદેશની યુનિવર્સિટીઓનો સહારો લેવો પડે છે. અલબત્ત, દેશની કેટલીક સંસ્થાઓ સમય સાથે તાલ મિલાવીને નવા નવાં અભ્યાસક્રમો દાખલ કરી રહી છે, પરંતુ પ્રાથમિકથી શરૂ થતી મૂળભૂત શિક્ષણ પ્રણાલી હજુ પછાત જ છે.
લિન્ક્ડઈનના રિપોર્ટ પ્રમાણે મોટા ભાગની નોકરીઓ બેંગાલુરુુ, દિલ્હી, હૈદરાબાદ, પુના, મુંબઈ, ગુડગાંવ.. જેવા ધમધમતા શહેરોમાં સર્જાવાની છે. લિન્કડઈન એ નોકરીઓ સર્ચ કરી આપતી અમેરિકન વેબસાઈટ છે, જે જગતભરના યુવાનોમાં ખાસ્સી લોકપ્રિય છે. દુનિયાની મોટી મોટી કંપનીઓ પણ પોતાની જરૂર પ્રમાણેના કર્મચારીઓ શોધવા માટે આવી સાઈટોની સૌથી પહેલી મદદ લે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2tivycX
via Latest Gujarati News
0 Comments