
પશ્ચીમ જર્મનીના ક્રેફલ્ડ શહેરમાં ન્યુએરની પૂર્વ સંધ્યાએ એક ઝુમાં અચાનક લાગેલી આગમાં ચિપાન્ઝી, ઉરાંગ ઉટાંગ, અને આફ્રિકી મૂળના ૩૦ જેટલા મંકીઓના મોત થયા છે. ફેસબુક અને અન્ય સોશિયલ માધ્યમોમાં ક્રેફલ્ડ ઝુના વૃક્ષો પરથી ઉઠતી આગની જવાળાઓની તસ્વીરો વાઇરલ થતા પ્રાણીપ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
સ્થાનિક પોલીસને આગનું કારણ હજુ જાણવા મળ્યું નથી પરંતુ ન્યુઅરની ઉજવણી દરમિયાન ભારે આતશબાજીથી ઝુમાં આગ લાગી હોવાનું માનવામાં આવે છે. ક્રેફેલ્ડના ઝુ માં જયાં વિવિધ પ્રજાતિના મંકીઓના પાંજરા હતા ત્યાં આગ ઝડપથી ફેલાઇ હતી. જોત જોતામાં આગે પાંજરામાં પુરાયેલા મંકીઓને ભરડો લેતા ભૂંજાઇ ગયા હતા. ઝુના અધિકૃત ફેસબુક પર જણાવવામાં આવ્યું છે કે આગ લાગ્યા પછી તપાસ કરતા અમને જે ડર હતો તે સાચો પડયો છે અને મંકી હાઉસના પ્રાણીઓને બચાવી શકયા નથી. જો કે નજીકમાં આવેલા ગોરિલા ગાર્ડન સુધી આગ ફેલાય તે પહેલા આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. મંગળવારે રાત્રે ઝુમાં આગની ઘટના બનતા ૧ જાન્યુઆરીએ ઝુ બંધ રાખવાની ફરજ પડી હતી.
૧૯૭૫માં બનાવવામાં આવેલું ચિપાન્ઝી અને ઓરાંગ ઉટાંગ જેવી પ્રજાતિઓ માટેનું મંકી હાઉસ ૨૦૦૦ વર્ગ મિટર ફેલાયેલું છે. નજરે જોનારાઓનું માનવું છે કે આ આગ ચાઇનિઝ સ્કાય લેન્ટર્સના કારણે લાગી હતી. સ્કાય લેન્ટર્સના આ અવશેષ ઝુની આસપાસ પણ મળી આવ્યા હતા. આમ પણ જર્મની યૂરોપિય સંઘમાં ફટાકડાનું ઉત્પાદન અને નિકાસ કરતો સૌથી મોટો દેશ છે. દર વર્ષે લોકો એકઠા થઇને પુષ્કળ આતશબાજીથી ન્યૂઅરનું સ્વાગત કરે છે. આ સ્વાગતમાં ફટાકડાના અતિરેકે ઝુના માસૂમ જીવોનો ભોગ લીધો છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZIjIVl
via Latest Gujarati News
0 Comments