
(પીટીઆઈ) કાઠમંડુ, તા. 18 જાન્યુઆરી, 2020, શનિવાર
એક સમયે વિશ્વના સૌથી ઓછી ઉંચાઈ ધરાવતા શખ્સનું ટાઇટલ જીતનારા નેપાળના ખગેન્દ્ર થાપા માગરનું શુક્રવારે 27 વર્ષની ઉંમરે ન્યૂમોનિયાના કારણે અવસાન થયું છે.
ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયેલા વિશ્વમાં સૌથી ઓછી ઉંચાઈ ધરાવતા ચાલી શકે તેવા શખ્સ ખગેન્દ્ર થાપા માગરનું કાઠમંડુથી 200 કિમી દૂર આવેલી પોખરાની ખાનગી હોસ્પિટલમાં ન્યૂમોનિયાના કારણે અવસાન થયું છે. ખગેન્દ્રની ઉંચાઈ માત્ર 67.08 સેમી(બે ફૂટ 2.41 ઇંચ) હતી અને જન્મ સમયે તેઓ હથેળીમાં સમાઈ જાય તેટલા નાના હતા.
ખગેન્દ્રના ભાઈ મહેશ થાપાના કહેવા પ્રમાણે તેઓ ન્યૂમોનિયાના કારણે સતત હોસ્પિટલના ચક્કર કાપતા રહેતા હતા પરંતુ આ વખતે તેમના હૃદયને પણ અસર થઈ હોવાથી બચાવવા અશક્ય બની ગયા હતા.
2010ના વર્ષમાં ખગેન્દ્રને તેમના 18મા જન્મદિવસ બાદ વિશ્વના સૌૈથી ઓછી ઉંચાઈ ધરાવતા વ્યક્તિ ઘોષિત કરવામાં આવ્યા હતા અને તેમનો પોતાના કરતાં થોડું નાનું સર્ટિફિકેટ પકડીને ઉભા હોય તેવો ફોટો ખૂબ પ્રસિદ્ધિ પામ્યો હતો.
થોડા સમય બાદ નેપાળના 54.6 સેમી ઉંચાઈ ધરાવતા ચંદ્ર બહાદુર ડાંગીને વિશ્વના સૌથી ઓછી ઉંચાઈ ધરાવતા, હરીફરી શકે તેવા શખ્સ ઘોષિત કરવામાં આવ્યા હતા માટે માગરે પોતાનું ટાઇટલ ગુમાવ્યું હતું.
પરંતુ ત્યાર બાદ 2015માં ડાંગીના અવસાન બાદ તેમને પોતાનું ટાઇટલ પાછું મળ્યું હતું. વિશ્વની સૌથી ઠીંગણી વ્યક્તિ તરીકે માગરે ડઝન કરતા પણ વધુ દેશોનો પ્રવાસ કરેલો અને તેમને યુરોપ-યુએસના ટીવી કાર્યક્રમોમાં ચમકવાનો મોકો મળેલો.
માત્ર છ કિગ્રા વજન ધરાવતા ખગેન્દ્ર નેપાળ પર્યટન અભિયાનનો સત્તાવાર ચહેરો બનેલા અને તેમણે વિશ્વના અન્ય વામન લોકોની મુલાકાત પણ લીધેલી.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/368z0V7
via Latest Gujarati News
0 Comments