
બ્રસેલ્સ, તા. 18 જાન્યુઆરી, 2020, શનિવાર
ઘરમાં જેટલા મોબાઈલ હોય એટલા ચાર્જર રાખવા પડે અને મોબાઈલ ફોન વિવિધ પ્રકારના હોય તો વિવિધ પ્રકારના ચાર્જર પણ રાખવા પડે. આ વિવિધતાને કારણે આખા જગતમાં વર્ષે અંદાજે 51,000 ટન જેટલો ઈ-વેસ્ટ સર્જાય છે.
કેમ કે નવો ફોન લેવા સાથે લોકો નવું ચાર્જર ખરીદતા હોય છે. મોટા ભાગની મોબાઈલ ફોન ઉત્પાદક કંપનીઓના ચાર્જર તરીકે તો યુએસબી (ટાઈપ-સી) કેબલ ચાલીજાય છે. પરંતુ એપલ જેવી અમુક કંપનીઓના ચાર્જર અલગ પ્રકારની પીન ધરાવે છે. એ માટે ફરજિયાત નવું ચાર્જર લેવું પડે છે.
યુરોપિયન સંઘના દેશોએ આ સમસ્યામાંથી આખા જગતને છૂટકારો મળે એ માટે વિચારણા હાથ ધરી છે. યુનિયનની આગામી મિટિંગમાં દરેક સ્માર્ટફોન ઉત્પાદક કંપનીએ એક સમાન ચાર્જર રાખવું કે કેમ તેના પર મતદાન થશે.
જો મતદાન થશે તો પછી યુરોપમાં ફોન વેચનારી દરેક કંપનીઓએ સરખું જ ચાર્જર બનાવવું પડશે. એ પછી આપોઆપ એ મોડલ આખા જગતમાં લાગુ પડશે અને સરવાળે ઈલેક્ટ્રોનિક વેસ્ટ ઓછો થશે, તથા ચાર્જર પાછળનો ખર્ચ પણ ઘટશે. યુનિયનની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઈ હતી.
ચર્ચામાં એ વાતની પણ નોંધ લેવાઈ હતી કે દર વખતે નવો ફોન ખરીદતી વખતે નવું ચાર્જર લેવું જરૂરી હોતું નથી. પરંતુ કંપની દરેક ફોન સાથે ચાર્જર આપતી જ હોય છે. માટે ઘરમાં ચાર્જરની સંખ્યા વધતી જાય છે અને છેવટે એ ઈલેક્ટ્રોનિક વેસ્ટમાં ફેરવાય છે. પર્યાવરણ સંરક્ષણ માટે ઈ-વેસ્ટનું પ્રમાણ ઘટે એ બહુ જરૂરી છે. માટે યુનિયને આ મુદ્દે ગંભીર વિચારણા હાથ ધરી છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ry10fo
via Latest Gujarati News
0 Comments