મોદી સાથે સ્કૂટર પર ફરી પક્ષ માટે કામ કરનારા નડ્ડા ભાજપ અધ્યક્ષ બન્યા


નડ્ડા માટે દિલ્હીની ચૂંટણી પહેલો પડકાર, કાર્યકાળ દરમિયાન બિહાર, બંગાળ સહિતના ડઝનથી વધુ રાજ્યોમાં ચૂંટણી

નવી દિલ્હી, તા. 20 જાન્યુઆરી, 2020, સોમવાર

આખરે સત્તાવાર રીતે જગત પ્રકાશ એટલે કે જેપી નડ્ડાએ ભાજપના નવા પ્રમુખ તરીકે પદ સંભાળી લીધુ છે. જેપી નડ્ડા અમિત શાહના ઉત્તરાિધકારી બન્યા છે. અમિત શાહે નડ્ડાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા બદલ શૂભકામના પાઠવી હતી. જેપી નડ્ડાની નિમણુંકનો પક્ષમાં કોઇએ વિરોધ નહોતો કર્યો તેથી સર્વ સમ્મતીથી તેમને આ પદ સોપવામાં આવ્યું હતું.  

59 વર્ષીય જેપી નડ્ડાએ બીએ અને એલએલબીનો અભ્યાસ કરેલો છે. તેમને અધ્યક્ષ પદે નરેન્દ્ર મોદી અને અમિત શાહે પસંદ કર્યા હતા. નડ્ડા 1993, 1998 અને 2007માં હિમાચલ પ્રદેશના ત્રણ વધત ધારાસભ્ય રહી ચુક્યા છે.

અમિત શાહને ગયા વર્ષે ગૃહ પ્રધાન બનાવવામાં આવ્યા ત્યારે જ નડ્ડાને ભાજપ અધ્યક્ષ પદે પસંદ કરવામાં આવ્યા હતા. ગત લોકસભાની ચૂંટણી સમયે નડ્ડાને ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા હતા, આ ચૂંટણીમાં ભાજપે 80માંથી 62 બેઠકો પર જીત મેળવી હતી જેનો શ્રેય નડ્ડાને પણ મળ્યો હતો. 

નડ્ડા પહેલાથી જ રાજકારણમાં સક્રિય હતા પણ 2010માં તેઓનું નામ રાષ્ટ્રીય સ્તરે ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે નીતીન ગડકરીએ તેમને ભાજપના જનરલ સેક્રેટરી બનાવ્યા હતા. બાદમાં 2012માં નડ્ડા રાજ્યસભાના સાંસદ બની ગયા.

2014થી 2019 દરમિયાન નડ્ડાએ સરકારમાં સ્વાસ્થ્ય પ્રધાન પદે સેવા આપી હતી. નડ્ડાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા બદલ નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથસિંહ સહિતના અનેક નેતાઓએ અભિનંદન પાઠવ્યા હતા. 

મોદીએ નડ્ડા સાથેની પોતાની યાદોને વાગોળી હતી, મોદીએ પક્ષના મુખ્ય કાર્યાલયે સંબોધન આપતી વેળાએ કહ્યું હતું કે પક્ષ સાથે નવી પેઢીઓ જોડાઇ રહી છે. ભાજપ મર્યાદાનું પાલન કરે છે અને કરતી રહેશે.

બાદમાં મોદીએ નડ્ડાને શુભકામના પાઠવી હતી અને કહ્યું હતંુ કે એક સમયે હું અને નડ્ડા બન્ને એક સાથે સ્કૂટર પર ફરતા અને કામ કરતા હતા. નડ્ડાએ બાદમાં મોદી અને અમિત શાહ તેમજ પક્ષના દરેક નેતાઓ અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. હાલ નડ્ડા માટે દિલ્હી વિધાનસભા એક મોટો પડકાર છે જ્યારે વર્ષના અંતે બિહારમાં પણ ચૂંટણી યોજાવાની છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NM79Ut
via Latest Gujarati News

Post a Comment

0 Comments