એનપીઆરને સમર્થન નહીં આપો તો કેન્દ્ર એનઆરસી પણ લાગુ નહીં કરી શકે : ચિદમ્બરમ


નવી દિલ્હી, તા. 18 જાન્યુઆરી, 2020, શનિવાર

કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે જણાવ્યું હતું કે નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) અને એનઆરસીને લઇને દરેક વિપક્ષ મુદ્દાની જરૂરીયાતોેને સમજે અને એક સાથે મંચ પર આવે.

તેમણે કહ્યું હતું કે જો કોઇ પણ નાગરિક એનપીઆરમાં સહીયોગ નહીં કરે તો તેનાથી એ ફાયદો થશે કે સરકાર એનઆરસી અંતર્ગત કોઇને પણ સજા નહીં કરી શકે. કોલકાતામાં સીએએ અને એનઆરસીના વિરોધમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં ચિદમ્બરમ જોડાયા હતા.

આ દરમિયાન તેઓએ લોકોની સાથે વાતચીત પણ કરી હતી. ચિદમ્બરમે સાથે એમ પણ કહ્યું હતું કે એનપીઆર એ એનઆરસીનો જ એક ભાગ છે. કોંગ્રેસ પહેલી એપ્રીલથી લાગુ થનારા એનપીઆરનો અમલ નહીં થવા દે.

ચિદમ્બરમે કહ્યું હતું કે આસામમાં એનઆરસીની અસફળતા બાદ ભાજપે પાસા બદલવા પડયા છે અને હવે તે એનઆરસીને છોડીને એનપીઆર મુદ્દે વાતચીત કરવા લાગ્યા છે.

ચિદમ્બરમે કહ્યું હતું કે આ એનપીઆર પણ એનઆરસીનો જ એક ભાગ છે, જો લોકો એનપીઆરને સમર્થન ન આપે અને કોઇ જ માહિતી ન આપે તો સરકાર એનઆરસી પણ લાગુ નહીં કરી શકે અને નિર્દોષ લોકોને પરેશાન નહીં કરી શકે.

ચિદમ્બરમે સાથે દરેક પક્ષોને એવી અપીલ પણ કરી હતી કે તેઓ એનઆરસીએ, સીએએ અને એનપીઆરના વિરોધમાં હવે એક થઇ જાય. ચિદમ્બરમનું આ નિવેદન તેવા સમયે સામે આવ્યું છે.

જ્યારે સીએએ અને એનઆરસી મુદ્દે કોંગ્રેસે એક સર્વ વિપક્ષી બેઠક બોલાવી હતી પણ તેમાં મોટા ભાગના મોટા પક્ષો નહોતા જોડાયા. તેથી ચિદમ્બરમે એવી અપીલ કરી છે કે દરેક વિપક્ષ આ મામલે એક થાય અને સાથે મળીને કામ કરે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/361ZB6c
via Latest Gujarati News

Post a Comment

0 Comments